દાહોદ:આંગણવાડી કાર્યકરોની પડતર માંગણીઓ અંગે ‘સરકારનું બેસણું’ રાખી અનોખો વિરોધ નોંધાવ્યો

તા.૧૦.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ: આંગણવાડી કાર્યકરોની પડતર માંગણીઓ અંગે ‘સરકારનું બેસણું’ રાખી અનોખો વિરોધ નોંધાવ્યો
દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગરો દ્વારા લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના નિકાલ માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે, તા. ૮ જૂન ૨૦૨૬ના રોજ જિલ્લાભરની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને જિલ્લા સેવા સદન ખાતે ‘સરકારનું બેસણું’ રાખી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.આંગણવાડી કાર્યકરો દ્વારા લાંબા સમયથી પગાર વધારો અને કાયમી નોકરીની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ અનેકવાર આવેદનપત્ર આપવા છતાં સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા, કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના પ્રમુખઓ વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આંદોલનકારીઓએ જિલ્લા કલેક્ટર અને પ્રોગ્રામ ઓફિસરને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રોગ્રામ ઓફિસર સાથેની મુલાકાત દરમિયાન ઘટતી કાર્યવાહી કરવા બાબતે સંતોષકારક પ્રતિભાવ મળ્યો છે.જોકે, આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો ટૂંક સમયમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ઉગ્ર ‘જન આંદોલન’ છેડવામાં આવશે. હવે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.



