AHAVADANG

ડાંગ જિલ્લાના કુલ ૩૩૭ મતદાન મથકો ઉપર જિલ્લાના કુલ ૧ લાખ ૯૩ હજાર ૫૮૬ મતદારો મતદાન કરશે…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો માટે ૫૨ (બાવન) અને ત્રણ તાલુકા પંચાયતોની કુલ ૪૮ બેઠકો માટે ૧૧૬ ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ

ગુજરાત રાજય ચૂંટણી આયોગ, દ્વારા રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી ગત તા.૧/૪/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે, તથા આહવા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો, વઘઇની ૧૬, અને સુબીર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો મળી કુલ ૪૮ તાલુકા પંચાયતની બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ માટે આગામી તા.૨૬મી એપ્રિલના રોજ મતદાન તથા, મત ગણતરીની તારીખ ૨૮મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે.જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે ૫૨ (બાવન) ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. તેમજ આહવા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે ૩૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તો વઘઈ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે ૪૦ ઉમેદવારો વચ્ચે, અને સુબીર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે ૪૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે જિલ્લાના કુલ ૩૩૭ મતદાન મથકો ઉપર ડાંગ જિલ્લામાં નોંધાયેલા ૯૭ હજાર ૯૩૯ પુરૂષ મતદાર, અને ૯૫ હજાર ૬૪૭ સ્ત્રી મતદારો મળી કુલ કુલ ૧ લાખ ૯૩ હજાર ૫૮૬ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આહવા તાલુકામાં ૪૦ હજાર ૮૬૫ પુરૂષ મતદાર અને  ૩૯ હજાર ૯૭૯ સ્ત્રી મળી કુલ ૮૦ હજાર ૮૪૪ મતદારો, વઘઇ તાલુકામાં ૨૮ હજાર ૪૬૨ પુરૂષ મતદાર અને ૨૮ હજાર ૫૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૫૭ હજાર ૦૫૩ મતદારો, તથા સુબીર તાલુકામાં ૨૮ હજાર ૬૧૨ પુરૂષ મતદાર અને ૨૭ હજાર ૦૭૯  સ્ત્રી મતદાર મળી કુલ ૫૫ હજાર ૬૯૧ મતદારો નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં યોજાનાર આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જિલ્લામાં ૧૦૦ % મતદાનના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકાય તે હેતુથી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં છે. તો મતદારો મતદાનની પદ્ધતિ અંગે સરળતાથી માહિતગાર થઈ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં ઇ.વી.એમ (EVM)  નિદર્શનના વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ અન્વયે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અમલી બનાવવામાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાનો પણ અહીં ચૂસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!