AHAVADANG

વઘઈ અને આહવાની રાજનીતિમાં હાઈવોલ્ટેજ ડ્રામા : સભ્યો ‘સેફ હાઉસ’માં,25મીની ચૂંટણી પર સૌની નજર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ તાલુકા પંચાયતોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ સત્તા સ્થાપનાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.બંને તાલુકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી કોંગ્રેસે 9 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ને 7 બેઠકો મળી છે.આંકડાકીય રીતે કોંગ્રેસ માટે સત્તા રચવી સહેલી જણાતી હોવા છતાં, સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સત્તા હસ્તગત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.આ સંજોગોમાં કોઈ પ્રકારની તોડજોડ અથવા રાજકીય “નવાજૂની” ન સર્જાય તે માટે કોંગ્રેસે પોતાના તમામ 9 ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલી દીધા હોવાનું જાણવા મળે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સભ્યો હાલ કોઈના સંપર્કમાં નથી અને તેઓ સીધા જ 25મી તારીખે યોજાનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન બેઠકમાં હાજર રહેશે.બીજી તરફ, વઘઈ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ- બંને પક્ષોને સમાન 8-8 બેઠકો પ્રાપ્ત થતાં રાજકીય સ્પર્ધા વધુ રોમાંચક બની છે.સત્તા સ્થાપવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાત પંચાયતી પક્ષાંતર વિરોધી કાયદા વચ્ચે પણ ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લેતાં રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે અંતિમ ક્ષણે કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ ગેરહાજર રહે અથવા પક્ષપલટાની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.જૂથબંધી અને આંતરિક રાજકીય ગતિવિધિઓથી ખદબદતા હાલના રાજકીય માહોલમાં અંતે ડાંગ જિલ્લાનાં વઘઇ અને આહવા તાલુકા પંચાયતમાં કોણ સત્તાનો શિરમોર બને છે તે હવે 25મી તારીખે જ સ્પષ્ટ થશે..

Back to top button
error: Content is protected !!