
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ પોલીસ અને જનતા વચ્ચે સહકાર અને વિશ્વાસનો સેતુ વિકસે તે હેતુસર ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “વીર નાગરિક એવોર્ડ” યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત પોલીસને મહત્વપૂર્ણ બાતમી, માહિતી અથવા તપાસમાં સહયોગ આપનાર જાગૃત નાગરિકોને રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે એન.ડી.પી.એસ. (ડ્રગ્સ) સંબંધિત ગુનાઓ, ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળા સંબંધિત ગુનાઓ, ગુમ થયેલ વ્યક્તિઓ અંગેની માહિતી, પોક્સો અધિનિયમ હેઠળના ગુનાઓ, ઘરફોડ ચોરી, લૂંટ, સાયબર ક્રાઇમ તેમજ શંકાસ્પદ વિદેશી નાગરિકો અંગેની માહિતી પૂરી પાડનાર નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. ઉપરાંત ગંભીર ગુનાઓની તપાસ દરમિયાન નિષ્ઠાપૂર્વક સાક્ષી તરીકે ફરજ બજાવનાર વ્યક્તિઓને પણ એવોર્ડ માટે પાત્ર ગણવામાં આવશે.
યોજના હેઠળ પસંદગી પામનાર નાગરિકોને રૂ. ૨,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીનું રોકડ ઇનામ તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે. જ્યારે અતિ ગંભીર અને મહત્વના ગુનાઓમાં નોંધપાત્ર સહયોગ આપનાર વ્યક્તિઓને રૂ. ૧૦,૦૦૦થી વધુનું વિશેષ ઇનામ પણ આપવામાં આવી શકે છે.
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે બાતમી આપનાર વ્યક્તિની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસને માહિતી આપવા અથવા સહયોગ માટે જન રક્ષક હેલ્પલાઇન નંબર ૧૧૨નો ઉપયોગ કરી શકાય છે.
જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવે જણાવ્યું છે કે નાગરિકોની એક સચોટ માહિતી પણ ગુનો અટકાવવામાં અથવા ગુનેગારોને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેથી દરેક નાગરિકે સમાજને સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવા માટે પોલીસને સહયોગ આપવો જોઈએ.
આ અંગેની વધુ માહિતી માટે સંપર્ક જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, આહવાનો સંપર્ક કરી શકો છો.



