
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે તેના સૌથી નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ગરમાગરમ પ્રચારના પડઘમ શાંત થતા જ રાજકીય માહોલ વધુ ચડિયાતો બની ગયો છે. જિલ્લા પંચાયતની 18 બેઠકો અને આહવા, સુબિર તથા વઘઈ તાલુકા પંચાયતની કુલ 47 બેઠકો માટે કાલે મતદાન થવાનું છે. આહવા તાલુકાની એક બેઠક બિનહરીફ જાહેર થતા બાકીની બેઠકો પર જોરદાર ટક્કર નિશ્ચિત બની છે.
પ્રચારના સત્તાવાર અંત સાથે આજની રાત રાજકીય વર્તુળોમાં ‘કતલની રાત’ તરીકે ઓળખાઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો અંતિમ ક્ષણ સુધી મતદારોને મનાવવા મથામણ કરી રહ્યા છે. ખાસ કરીને અંતરિયાળ ગામોમાં ડોર-ટુ-ડોર સંપર્ક વધારીને મતદારોને પોતાના પક્ષે વાળવા માટે જોરદાર પ્રયાસો થઈ રહ્યા છે.
દરેક પક્ષ પોતાના વિજયના દાવા કરી રહ્યો છે, પરંતુ વાસ્તવિક પરિણામ આવતીકાલે મતપેટીમાં જ કેદ થશે. બીજી તરફ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા ફ્લાઈંગ સ્ક્વોડ અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.
ડાંગની જનતા વિકાસના મુદ્દે મતદાન કરશે કે પોતાના હક્ક અને અસ્તિત્વ માટે લડતા પક્ષોને પસંદ કરશે, તે હવે આવતીકાલે સ્પષ્ટ થશે. જિલ્લા પંચાયતની 18 બેઠકો સાથે ત્રણેય તાલુકાની કુલ બેઠકો પર થનારું આ મતદાન ડાંગના આગામી પાંચ વર્ષના વિકાસનો માર્ગ નક્કી કરશે.





