AHAVADANG

ડાંગમાં મતદાન મહાપર્વ માટે કડક સુરક્ષા: ૭૦૦થી વધુ જવાનો તૈનાત, ૧૦ ચેકપોસ્ટ પર ચુસ્ત નજર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આવતીકાલે ૨૬ એપ્રિલે શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ-પ્રશાસન સજ્જ, સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેજ

ડાંગ જિલ્લામાં આવનાર ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષકો કે.આર. ડિમરી અને જનેશ્વર નલવૈયાની આગેવાનીમાં પોલીસ ટીમો દ્વારા આહવા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી મતદારોમાં વિશ્વાસ જળવાઈ રહે.

ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે EVM મશીનો અને અન્ય મતદાન સામગ્રીનું સુરક્ષિત ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૩૩૭ મતદાન મથકો માટે ૨૦૩૯ પોલિંગ સ્ટાફ અને ૭૧૭ પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. જેમાં ૩૨૦ પોલીસ જવાનો, ૩ આર્મ્ડ પોલીસ, ૩૯૪ હોમગાર્ડ્સ તથા GRDના જવાનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સમગ્ર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૬૮ રૂટ પર ૭૯ ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ૧૦ આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આશરે ૫૦૦ પોલીસ જવાનો, ૫૫૦ હોમગાર્ડ્સ અને GRDના જવાનો સાથે SRPની ટુકડીઓ તૈનાત છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ નિર્ભય બનીને મતદાન કરે અને લોકશાહીનો આ પર્વ સફળ બનાવે.

ડાંગ જિલ્લામાં સુરક્ષા અને વ્યવસ્થાના મજબૂત આયોજન સાથે હવે મતદાન માટેનું માહોલ સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!