
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વર્ષોથી રસ્તા અને નાળાની સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોનો કડક વિરોધ – અધિકારીઓ પહોંચ્યા છતાં પ્રજાનો સ્પષ્ટ ઇનકાર
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના કોટમદર ગામે લોકશાહી પર્વ વચ્ચે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે લોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વર્ષોથી રસ્તા અને જર્જરિત નાળાની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ જતા આખા ગામના ૮૪૮ મતદારોએ એકસાથે મતદાનનો બહિષ્કાર કરીને કડક સંદેશ આપ્યો છે.
“રોડ નહીં તો વોટ નહીં”ના મક્કમ નિર્ધાર સાથે ગ્રામજનોએ મતાધિકારનો ત્યાગ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોટમદર ગામનું ડૂબાવ નાળું દર ચોમાસે જીવલેણ સાબિત થતું હોવા છતાં અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ ઉગ્ર બન્યો હતો.
કોટમદર પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક પર આખો દિવસ સૂનકાર છવાયો રહ્યો હતો. ડાંગ જિલ્લાના એસ.પી. અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામે દોડી આવ્યા છતાં ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “પહેલા પુલ અને રસ્તો બનાવો, પછી જ મત માંગો.”
બીજી તરફ, સાપુતારાની તળેટીમાં આવેલા જોગબારી ગામમાં પણ રસ્તાની ખરાબ હાલતને લઈને લોકો મતદાન બહિષ્કારના મૂડમાં હતા. જોકે, સ્થાનિક સરપંચ તન્મયબેન ઠાકરેની સમજણ અને આશ્વાસનથી ત્યાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકી હતી, જે તંત્ર માટે રાહતરૂપ બની હતી.
કોટમદરની ઘટના વહીવટી તંત્ર માટે ચેતવણી સમાન બની છે. જ્યારે પ્રજાને પાયાની સુવિધાઓ માટે મતદાન જેવી લોકશાહી પ્રક્રિયાનો ત્યાગ કરવો પડે, ત્યારે વિકાસના દાવાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જો સમયસર સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ પ્રકારનો વિરોધ અન્ય ગામોમાં પણ ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.





