
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આજકાલ સૂર્યદેવતા જાણે કોપાયમાન બન્યા હોય તેવો કાળઝાળ ગરમીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ સમગ્ર જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે.
વઘઈ પંથકમાં આજે તાપમાન 43°C સુધી પહોંચી ગયું છે, જેને કારણે વિસ્તાર ભઠ્ઠી સમાન તપાઈ રહ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન 23°C નોંધાયું છે અને આગામી સમયમાં મહત્તમ તાપમાન 45°C સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
જિલ્લાના મુખ્ય મથક આહવા અને સુબીર વિસ્તારમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જ્યાં બંને જગ્યાએ 41°C તાપમાન નોંધાયું છે. ગિરિમથક સાપુતારામાં સામાન્ય રીતે ઠંડક રહેતી હોય છે, છતાં અહીં પણ તાપમાન 40°C સુધી પહોંચતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સાપુતારામાં મહત્તમ 41°C અને લઘુત્તમ 22°C રહેવાની શક્યતા છે.
આકાશ ચોખ્ખું અને સૂર્યપ્રકાશ તીવ્ર હોવાના કારણે બપોરના સમયે ગરમીનું જોર વધુ રહે છે. ગરમીના વધતા પ્રકોપને કારણે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડક મેળવવા વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે.
ડોક્ટરો દ્વારા ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને બપોરના સમયમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ પૂરતું પાણી પીવું, માથું ઢાંકીને બહાર નીકળવું અને હળવા કપડાં પહેરવા જેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
જિલ્લામાં વધતી ગરમીને લઈને લોકોમાં ચિંતા સાથે સાથે રાહત માટે વરસાદની અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે.





