AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ યથાવત રહેતા વાતાવરણ આહલાદક બન્યું

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 14 મિમી,સાપુતારા પંથકમાં 21 મિમી,વઘઇ પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં  વરસાદી વિરામ બાદ ફરીવાર મેઘો જામ્યો છે.ગતરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલે ધબધબાટી બોલાવતા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.સાથે વઘઇ, આહવા અને સુબિર પંથકમાં એક એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.શુક્રવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડ્યો હતો.શુક્રવારે ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ,સુબિર તથા સાપુતારા પંથકમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા પાણીની રેલમછેલ જોવા મળી હતી.છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી બન્ને કાંઠે થઈ ધસમસતી બની છે.ડાંગ જિલ્લાનો વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ,કોષમાળનો ધોધ સહિત નાના મોટા જળધોધ પાણીનાં પ્રવાહ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે ગતરોજ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી માટેનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ તથા નવાગામનું તળાવ છલોછલ ભરાઈને ઊભરાયુ હતુ.શુક્રવારે  વઘઇ નગરમાં  એક ઈંચ જેટલો વરસાદ પડતા નગરનાં બજાર વિસ્તારનાં માર્ગો પર પાણી ભરાયા હતા.અહી માર્ગો પર પાણી ભરાવાનાં પગલે સ્થાનિક જનજીવન ત્રસ્ત બન્યુ હતુ.સાપુતારા ખાતે શુક્રવારે પણ વરસાદી માહોલમાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોએ સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે રોજેરોજ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોના દ્રશ્યો આહલાદક બન્યા હતા.જેના પગલે સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

Back to top button
error: Content is protected !!