
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુમુલ ડેરીની ચૂંટણીના અનુસંધાને ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં શિવારીમાળ સ્થિત વનટચ રિસોર્ટમાં રોકાયા હતા,વહેલી સવારે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા..
તાપી જિલ્લાનાં નિઝર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ સુમુલ ડેરીના ડિરેક્ટર અને સહકારી આગેવાન સુનિલભાઈ આર. ગામીતનું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અચાનક અવસાનના સમાચાર મળતા રાજકીય, સહકારી અને સામાજિક ક્ષેત્રના આગેવાનો તથા સમર્થકોમાં ભારે શોક છવાઈ ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી કૉંગ્રેસનાં માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીના અનુસંધાને તેઓ સુમુલ ડેરીના સભ્યો સાથે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે આવેલા વનટચ રિસોર્ટમાં રોકાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ, ગત મોડી રાત્રે ભોજન લીધા બાદ તેઓ તેમના મિત્રો સાથે રિસોર્ટનાં શેડમાં પલંગ નાખી સુવા માટે ગયા હતા.અને વહેલી સવારે પરત નિઝર જવાનાં હોય જેથી રિસોર્ટનાં સંચાલકને જગડવાનું જણાવ્યુ હતુ. આજે વહેલી સવારે રિસોર્ટના સંચાલક તથા તેમના મિત્રો તેમને જગાડવા પહોંચ્યા ત્યારે તેઓ કોઈ પ્રતિસાદ આપતા ન હતા.ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ તેમનું અવસાન હૃદયરોગના હુમલાના કારણે થયુ હોવાનું જાણવા મળ્યું છે.હાલ તેમના મૃતદેહનું ડોક્ટરોની ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.ત્યારબાદ સાપુતારા પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.માજી ધારાસભ્ય અને સહકારી આગેવાન સુનિલભાઈ ગામીતના નિધનના સમાચાર મળતા જ તેમના સમર્થકો, શુભેચ્છકો, રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ડાંગનાં શામગહાન હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.સૌએ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કરી પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.હાલમાં પરિવારજનો દ્વારા ડાંગનાં શામગહાન સી.એચ.સી ખાતે તેઓનું પી.એમ.કરાવી મૃતદેહને વતન જામકી તા.ઉચ્છલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી છે..




