વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ભુજ તા. ૧૪ નવેમ્બર : સરહદી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની કાયમી ઘટ રહેતી હોય છે જેની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડે છે. ત્યારે આગામી સમયમાં થનાર વિદ્યા સહાયકની નવી ભરતીમાં કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં વધુ જગ્યાઓ ફાળવાય તે માટે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા જિલ્લાના સાંસદ , ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, કેરણા આહિર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, નિલેશ ગોર , ધીરજ ઠક્કર, રાજેશ ગોર ,ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોષી, રશ્મિકાંત ઠક્કર, જટુભા રાઠોડ, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા કચ્છ – મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને પ્રધ્યુમનસિંહ જાડેજાને રૂબરૂ મળી આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ બાદ છેવાડાના વિસ્તારોમાં શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે. હાલ કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨૫૦૦ જેટલા શિક્ષકોની ઘટ છે. વળી આગામી દિવસોમાં નવી ભરતી પહેલા પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલીનો પણ કેમ્પ છે. આ જિલ્લા ફેર કેમ્પમાં કચ્છ જિલ્લામાંથી અંદાજિત ૧૦૦૦ જેટલા શિક્ષકો બદલી કરાવી પોતાના વતનમાં જનાર છે. એટલે જિલ્લામાં આ ખાઈ વધારે પહોળી થઇ અંદાજિત ૩૫૦૦ જેટલા શિક્ષકોની ઘટ પડશે. આગામી સમયમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માં ૫૦૦૦, ધોરણ – ૬ થી ૮ માં ૭૦૦૦ તેમજ ધોરણ ૧ થી ૮ ની અન્ય માધ્યમની ૧૮૫૨ મળી કુલ ૧૩૮૫૨ વિદ્યાસહાયકોની ભરતી થવાની છે. ભરતી અન્વયે હાલ લાયકાત ધરાવતા રાજ્યના ટેટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે જેની અંતિમ તા. ૧૬/૧૧ છે. તંત્ર દ્વારા હાલ ઉમેદવારો પાસેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે અરજીપત્રો સ્વીકારાઈ રહ્યા છે જેની અંતિમ તા. ૧૯/૧૧ છે. સમગ્ર ભરતી પ્રક્રિયામાં અંદાજિત ૨ માસ જેટલો સમય નીકળી જાય એવી શક્યતા છે. ત્યારે આ પૂર્વે કચ્છ જિલ્લાના વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાસ કિસ્સામાં નવી ભરતીમાં કચ્છ જિલ્લાને વધુ સંખ્યામાં શિક્ષકો મળે તે માટે શિક્ષક સમાજ દ્વારા પદાધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવી છે.