દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
૩૯ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે તમાકુ મુક્તિ અંગે જાગૃતિ, તમાકુ થી દૂર રહેવા પ્રતિજ્ઞા, સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજાયા
માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0’ (TFYC) ચલાવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૩૯ જેટલી પ્રાથમિક /માધ્યમિક શાળાઓ ખાતે ટોબેકો અવેરનેસ સ્કુલ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમોમાં “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા“(TOFEI) ના મુદ્દાઓના પાલન માટે આચાર્યશ્રી તેમજ સ્ટાફને સમજ આપવામાં આવી હતી. શાળાના બાળકોને તમાકુથી થતા નુકસાન અંગે માહિતગાર કરી સિગરેટ, બીડી, ગુટખા થી થતાં કેન્સર, વ્યસનને લીધે થતા માનસિક રોગ વિશે સમજણ આપવામાં આવી હતી. તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૨૩૫૬ વિશે માહિતી આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાઓમાં આ વિષય પર ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નાટક,રેલી વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.