Dhoraji: ધોરાજી ખાતે કરાયેલી “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ’’ની ઉજવણી
તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિદ્યાર્થીઓને નશીલા પદાર્થનું સેવન ટાળવાના આશયથી માર્ગદર્શન પૂરું પડાયું : ચિત્ર સ્પર્ધા અને રેલી પણ યોજાઈ
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ર૬ જૂનના રોજ “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ’’ નિમિત્તે ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ તથા ધોરાજી પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે ધોરાજી કોર્ટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી એસ. ડબલ્યુ વાઘની અધ્યક્ષતામાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરાજી શહેર તથા આજુબાજુમાં આવેલી ૧૫ જેટલી શાળાઓના આશરે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા સંચાલકો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ધોરાજી પોલીસ ઈન્સ્પેકટરશ્રી દ્વારા સ્વાગત વિધિ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શ્રી પારઘી દ્વારા વિદ્યાર્થીઓને નશાના કેટલા પ્રકારો હોય છે અને તે સમાજમાં કઇ રીતે ફેલાય છે તે બાબતે માહિતગાર કરાયા હતા. જેતપુર નાયબ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીજીવનમાં નશાથી દુર રહેવા શું ધ્યાનમાં રાખવુ તે બાબતે તેમજ પ્રાંત અધિકારીશ્રી દ્વારા નશાથી થતા સામાજીક, આર્થિક તથા માનસિક નુકશાન બાબતે માર્ગદર્શન અપાયું હતું.
ઉપરાંત, ધોરાજી કોર્ટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કયારેય નશો ન કરવા અને પરિવારમાં પણ કોઇ સભ્ય નશાની આદત ધરાવતા હોય તો તેઓને નશામુકત કરવા જરૂરી સલાહ-સૂચનો પૂરાં પાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે વિદ્યાર્થીઓની નશામુક્તિના સૂત્રો સાથેની રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે નશામુક્તિ જાગૃતિના અનુસંધાને યોજાયેલી ચિત્ર સ્પર્ધા અંતર્ગત ચિત્રોનું નિરીક્ષણ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીની બોટલ તથા એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ હતી.
આ કાર્યક્રમમાં જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી પી.બી. ગામીત, ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશ એન. લિખીયા, સરકારી હોસ્પીટલ ધોરાજીના અધિક્ષકશ્રી જે. એમ. વસેટીયા, જેતપુર ડિવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. એ. ડોડીયા, ધોરાજી કોર્ટના સરકારી વકીલશ્રી કાર્તિકભાઈ પારીખ, ધોરાજી સીટી પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર. જે. ગોધમ, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટરશ્રી એફ. એ. પારગી ઉપસ્થિત રહ્યા હતા.