Dhoraji: ધોરાજી ખાતે આઇસીડીએસ ઘટકનું ઉદ્ઘાટન કરાયુ
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૩૪ લાખના ખર્ચે બનેલા ભવનમા સી.ડી.પી.ઓ.ઓફિસ, મીટીંગ હોલ, સ્ટાફ રૂમ સહિતની સુવિધા
Rajkot, Dhoraji: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતમાં ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે આઇસીડીએસ ઘટકનું ઉદ્ઘાટન કરાયુ હતુ.
આ તકે આઇસીડીએસ કચેરીના કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, “સહી પોષણ દેશ રોશન” સૂત્રને ચરિતાર્થ કરવા સરકાર કટિબદ્ધ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે.
બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે સતત કાર્યરત રહેવા આઈસીડીએસના સ્ટાફને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યુ હતુ. આ તકે આંગણવાડીના બહેનો દ્વારા વાનગી પ્રદર્શન યોજાયું હતું.
ધારાસભ્યશ્રીએ આ તકે આંગણવાડીના ભૂલકાઓ સાથે મુલાકાત કરી તેઓના ઉજ્વળ ભવિષ્ય માટે બાળકોને આંગણવાડી પર નિયમિત મોકલવા વાલીઓને સૂચન કર્યું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સીડીપીઓશ્રી સહિત આઇસીડીએસ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું.