ટીબી મુક્ત નવસારીના સંકલ્પ સાથે ૭૮૦ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે નવસારી ખાતે ટીબીના આશરે ૭૮૦ જેટલા દર્દીઓને ત્રણ મહિના સુધી ઉપયોગી થાય તે મુજબ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નીરાલીબેન નાયક સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના દર્દીઓને સારવારની સાથે પૂરતું પોષણ મળી રહે અને તેઓ ઝડપથી ક્ષયમુક્ત બને તે હેતુથી કીટમાં ચોખા, મગ, દાળ, ખજૂર અને ગોળ સહિતની પોષણયુક્ત સામગ્રી આપવામાં આવી હતી. ત્રણ મહિના સુધી દર્દીઓને પોષણ સહાય મળી રહે તે રીતે કીટનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં સામાજિક સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે. ટીબીના દર્દીઓને પોષણ સહાય મળી રહે તે માટેના આ અભિયાનથી દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થવાની સાથે ટીબી મુક્ત નવસારીના સંકલ્પને પણ વેગ મળશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ટીબી સામેની લડતમાં સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને નવસારી જિલ્લાને ક્ષયમુક્ત બનાવવા માટે સામૂહિક પ્રયાસો કરવાની અપીલ કરી હતી.




