લગ્નના પાંચ વર્ષ બાદ પણ સંતાન ન થતાં પતિએ પત્નીને ત્રાસ આપી પ્રેમિકા સાથે લગ્ન કરવાની તૈયારીઓ કરી, 181ની ટીમે સમાધાન કરાવ્યું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની એક મહિલાના લગ્ન થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય તેને સંતાન પ્રાપ્તિ નહિ થતા તેના પતિએ પત્નીની સારવાર નહીં કરાવી પરસ્ત્રીના પ્રેમમાં પડીને પત્નીને ત્રાસ આપતો હતો. આ મામલે 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાની મદદે આવી પતિ અને તેની પ્રેમિકાનું કાઉન્સીલીગ કરી પતિ-પત્નીનું પૂનઃ મિલાપ કરાવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં (સીમા) નામ બદલ્યું છે નામની મહિલામાં લગ્ન થયાને પાંચ વર્ષનો સમય વીતી ગયો હોય તેમ છતાંય તેને સંતાન પ્રાપ્તિ નહિ થતાં તેનો પતિ તેની સાથે સારો વ્યવહાર ન કરતો હતો અને સંતાન પ્રાપ્તિ માટે દવા કરાવવા માટે રૂપિયા નહીં હોય હોસ્પિટલમાં પણ નહીં લઈ જતો હતો. આ બાબતે તેની સાથે રોજ તકરાર કરીને મેણા તોણા મારી માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં તેનો પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે રોજ કોલ પર વાત કરે છે .જેની જાણ સીમાને થતાં તે અંગે પૂછતા તેણે સીમાને છુટાછેડા આપી દેવા અને તેની પ્રેમિકાને ઘરે લાવવા કહ્યું હતું.
આ મામલે માનસિક રીતે હેરાન પરેશાન થઈ ગયેલી સીમાએ કંટાળીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માગી હતી. જેથી કોલ મળતા જ ભરૂચ અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીમાની બધી વાતચીત સાંભળી હતી. ત્યારબાદ તેના પતિને બોલાવી તેનું કાઉન્સિલિંગ કરીને સમજાવી પત્નીને હોસ્પિટલમાં લઈ જઈને દવા કરાવવા સાથે પરસ્ત્રી સાથે આડા સંબંધ ન રાખવા પણ સમજાવ્યા હતા. તેની પ્રેમિકાને પણ બોલાવી તેને પણ સમજાવી કોઈના લગ્ન જીવન નહીં બગાડવી સહિત કાયદાકીય માહિતી આપી હતી. ત્યારબાદ સીમાના પતિએ લેખિતમાં માફી માગી અને પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ નહીં આપું તેવી બાંહેધરી આપી અભયમ ટીમે બંનેનો સુખદ મિલાપ કરાવ્યો હતો.