વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-08 મે : રાજ્યના ટેટ/ ટાટ પાસ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોતા હતા તે કચ્છ જિલ્લા માટેની વિધાસહાયકની ખાસ ભરતીની આખરે જાહેરાત કરાઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) ની કુલ ૪૧૦૦ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ( ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/2/PRE/11-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના અધ્યક્ષ અને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત અંગે વિશેષ માહિતી આપતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર
નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માટે કુલ ૨૫૦૦ જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાન વિષયની ૫૦૯, ભાષાની ૫૫૪ જ્યારે સામાજિક વિજ્ઞાન માટે ૫૩૭ મળી કુલ ૪૧૦૦ જગ્યાઓ ભરવા માટે જાહેરાત અપાઈ છે.
શિક્ષણ વિભાગના તા ૦૬/૦૫/૨૦૨૫ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ ૨૦૨૩ અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતીમાં જિલ્લાના સ્થાનિક ઉમેદવારો માટે કોઈ છૂટછાટ કે વિશેષ લાભ નથી અપાયો. ભરતી માટે રાજ્યના તમામ ઉમેદવારો અરજી કરી શકશે.
ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ https://dpegujarat.in ઉપર તા.૧૨/૦૫/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૧/૦૫/૨૦૨૫ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.
આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધ ઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહી.શિક્ષણ વિભાગના તા. ૩૦/૦૪/૨૦૨૫ના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૨૨૦૨૪/૯- ૨૭૯૮/ક થી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫)માં વધારાની ર૫૦૦ જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) માટે અગાઉ મળેલ ૭૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે ૧૬૦૦ જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોઈ તા. ૦૧/૧૧/૨૪ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વચે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે.