અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પખવાડિયામાં બે ગુપ્ત અંગદાન, પાંચ દર્દીઓને મળ્યું નવજીવન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પખવાડિયામાં થયેલા બે ગુપ્ત અંગદાનો દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. બંને કેસમાં મૃતદાતા પરિવારજનો દ્વારા નિ:સ્વાર્થ ભાવથી ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું, જેના પરિણામે ચાર કિડની અને એક લીવરનું દાન મળી શક્યું.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતાં જણાવ્યું કે, પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના 37 વર્ષના યુવાને માથામાં ગંભીર ઇજા થવાથી તેને 18 મેએ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન 20 મેએ ડૉક્ટરોએ બ્રેઇન ડેડ જાહેર કરતાં તેના પરિવારજનો દ્વારા ગુપ્ત અંગદાનનો નિર્ણય લેવાયો અને તેમની બે કિડની દાનમાં આપવામાં આવી.
બીજા કિસ્સામાં ખેડા જિલ્લાના નડિયાદના 62 વર્ષના આધેડને બ્રેઇન હેમરેજ થયો હતો અને તેમને 30 મેએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 જૂને બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનો દ્વારા પણ ગુપ્ત અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો. તેઓ પાસેથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.
આ તમામ અંગો અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપિત કરવામાં આવ્યા છે.
ડૉ. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 195 અંગદાતાઓ દ્વારા 640 અંગોનું દાન પ્રાપ્ત થયું છે, જેના થકી 621 દર્દીઓને જીવदान મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં મળેલા અંગોનું વિભાજન આમ છે:
-
કિડની: 356
-
લીવર: 170
-
હ્રદય: 61
-
ફેફસા: 32
-
સ્વાદુપિંડ: 13
-
નાના આંતરડા: 2
-
ચામડી: 18
-
આંખો: 132
તેમણે ઉમેર્યું કે, ગુપ્ત અંગદાન કરનાર પરિવારજનો સાચા અર્થમાં પરોપકારની ભાવના પ્રગટાવી રહ્યા છે. “એક હાથથી દાન થાય અને બીજાને ખબર પણ ન પડે એવી રીતે લોકો આજકાલ ગુપ્ત રીતે અંગદાન કરી રહ્યા છે, જે સમાજમાં આ હળવી જાગૃતિનો સંકેત છે,” તેમ તેમણે જણાવ્યું.
આ પ્રકારના સંગઠિત અને શાંતિપૂર્ણ સેવાયજ્ઞો દ્વારા લોકોમાં અંગદાન અંગે જાગૃતતા ફેલાય છે અને અનેક જરૂરિયાતમંદોને જીવતા રહેવાની નવી આશા મળે છે.