MORBI:મોરબી: જેતપરમાં પોલીસ દમન અને વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ, ડેમેજ કંટ્રોલ માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દોડ્યા







MORBI:મોરબી: જેતપરમાં પોલીસ દમન અને વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ, ડેમેજ કંટ્રોલ માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દોડ્યા



મોરબીના જેતપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈટેન્શન વીજ લાઈનની કામગીરીને પગલે વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. યોગ્ય વળતર ચૂકવ્યા વિના પોલીસ પ્રોટેક્શનના જોરે બળજબરીપૂર્વક ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરાતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતો છેલ્લા સાત દિવસથી ધરણા પર બેઠા છે.
આ દરમિયાન પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ અને નાના બાળકોને ડીટેન કરાયા હોવાના આક્ષેપોથી પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે વાતાવરણ થાળે પાડવા અને ‘ડેમેજ કંટ્રોલ’ કરવા સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના વતન જેતપર ખાતે દોડી ગયા હતા અને ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.

“હું કોઈ રાજકીય માણસ નથી, ગામનો દીકરો છું.” — કાંતિ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી) પોલીસ દમન મુદ્દે ગામના દીકરા તરીકે ક્ષમા માંગી જેતપર પહોંચેલા કાંતિ અમૃતિયાને પત્રકારો અને સ્થાનિકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જ્યારે ખેડૂતોને માર મારવામાં આવ્યો અને માસૂમ બાળકોને ડીટેન કરાયા ત્યારે મંત્રીઓ અને નેતાઓ ક્યાં ગાયબ હતા?”
આ સવાલના જવાબમાં બચાવ કરતા અમૃતિયાએ જણાવ્યું હતું કે, “હું સતત તમામના સંપર્કમાં હતો. જેમને પોલીસ લઈ ગઈ હતી તેમને પાછા મૂકી ગઈ છે. જે કંઈ પણ બન્યું તે બદલ મેં ગામના એક દીકરા તરીકે આખા ગામની ક્ષમા માંગી લીધી છે.” તેમણે ઉમેર્યું કે જેતપર પહેલેથી જ લડાયક ગામ રહ્યું છે અને ખેડૂતોને ન્યાય અપાવવા તેઓ કટિબંધ છે.
“વિપક્ષ માત્ર ઉશ્કેરવાનું કામ કરે છે, રસ્તો અમે જ કાઢીશું”અત્યાર સુધી સત્તાધારી પક્ષના નેતાઓ ખેડૂતોની વહારે કેમ ન આવ્યા? તેવા સવાલ પર અમૃતિયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે:એક મ્યાનમાં બે તલવાર ન સમાય.વિપક્ષવાળા આવીને પોતાનો પ્રોગ્રામ કરી લે, ભાષણો આપીને લોકોને ઉશ્કેરીને વયા જાય છે, તેનાથી કોઈ ઉકેલ આવતો નથી.

મૂળ રસ્તો તો અમારે (સરકારે) જ કાઢવાનો છે અને આ માટે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીને પણ અમે આ પ્રશ્ન હલ કરીશું.
ઉકેલ માટે કલેક્ટર-SP અને કંપની સાથે સંયુક્ત બેઠક ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે આ સમસ્યાનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માટે આવતીકાલે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં:ખેડૂતોના પ્રતિનિધિઓ ,જિલ્લા કલેક્ટર ,જિલ્લા પોલીસ વડા (SP),વીજ કંપનીના અધિકારીઓ આ તમામ પક્ષો સામસામે બેસીને ચર્ચા કરશે. અમૃતિયાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો આ બેઠકમાં ખેડૂતોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે, તો આ મામલે છેક ગાંધીનગર અને સરકારમાં ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.


