ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કર્યો
ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે 9 કલાકથી વધારીને 12 કલાક કર્યા છે, જ્યારે સપ્તાહના કુલ કાર્યકાળની મર્યાદા 48 કલાક રખાઈ છે. પહેલી જુલાઈએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઑર્ડિનન્સ 2025 રજૂ કરાયું છે. તેમાં મહિલાઓને પણ નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી અપાઈ છે.
આ વટહુકમ ઉદ્યોગોમાં રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકો સર્જવા લાગુ કરાયો છે. આ વટહુકમના મુખ્ય મુદ્દામાં કામના કલાક વધારાયા છે, જેમાં રોજના મહત્તમ કામના કલાકો 12 કલાક કરાયા છે. તો સપ્તાહના 48 કલાકનો નિયમ યથાવત્ છે. આ મામલે કોઈ પણ કામદારની લેખિત સંમતિ ફરજિયાત રહેશે અને ભવિષ્યના દિવસો પેઇડ હોલિડે તરીકે ગણાશે.
કોઈ પણ કામદાર હવે 6 કલાક સતત કામ કરી શકશે, જે અગાઉ 5 કલાક હતા. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કામ કરતાં કામદારને બેવડું વેતન આપવામાં આવશે. હવે દરેક ત્રિમાસિક ગાળામાં કામદાર 125 કલાક સુધી ઓવરટાઇમ કરી શકે છે, જેમાં તેની લેખિત સંમતિ લેવાની રહેશે.
આ ઉપરાંત મહિલાઓને સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટમાં કામ કરવાની પણ છૂટ અપાઈ છે. આ માટે વિશેષ સુરક્ષા ઉપાયો, પરિવહન વ્યવસ્થા, સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ, આરામગૃહ અને શારીરિક સુરક્ષાને ધ્યાને લઈને નિયમો પણ બનાવાયા છે. આ કામ સંપૂર્ણપણે સ્વ-ઇચ્છા પર જ આધારિત હશે.
રાજ્યપાલે ભારતના બંધારણની કલમ 213 હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવીને આ વટહુકમ કર્યો છે. આ વટહુકમ વધુ આર્થિક પ્રવૃત્તિ અને રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી બનાવાયો છે. ભવિષ્યમાં વિધાનસભામાં તેની કાયદેસર મંજૂરી લેવાશે. ઉદ્યોગકારો, મજૂર સંઘો સહિતની સંસ્થાઓની પ્રવૃત્તિ હવે આગળ વધી શકશે.