સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી
પ્રાંતિજમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો; પર્યાવરણ અને યોગના સમન્વય પર અપાયો ભાર
‘એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ’ના મંત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણનો પ્રારંભ
– પ્રકૃતિ અને માનવજીવનના અતૂટ નાતાને જીવંત રાખવા વૃક્ષારોપણ સાથે જતન અનિવાર્ય: શિશપાલસિંહ રાજપૂત
– વન મહોત્સવમાં જનભાગીદારી દ્વારા ગ્રીન સાબરકાંઠા બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલનું આહ્વાન
– પર્યાવરણ રક્ષણ અને જળ સંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓ અને પંચાયતોનું વિશેષ બહુમાન
પ્રાંતિજ: 24-08-2026
સાબરકાંઠા જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકાના વદરાડના ઉમિયાધામ ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવું અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું સમયની આવશ્યકતા છે. વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવાની સાથે જળસંચય, શુદ્ધ હવા અને માનવજીવનના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે પર્યાવરણ અને જળ સંરક્ષણ સાથે યોગના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ બંને જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વૃક્ષ, પર્યાવરણ, જળ અને યોગને મહત્વ આપીને સ્વસ્થ અને સુખી સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલે “એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ”નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી પણ આપણે સૌએ સ્વીકારવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવીને તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળો બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વરસાદી પાણીના સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જળના પુનઃભરણ માટે વરસાદી પાણીના સંચયની વ્યવસ્થાઓને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત તેમણે દર્શાવી હતી. સાથે જ વધતી ગરમી અને વૈશ્વિક ઉષ્ણતામાનની સમસ્યા સામે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણને મહત્વપૂર્ણ ઉપાય ગણાવી સૌને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.
પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથે નાતો કેળવવો એ આપણી સામૂહિક જવાબદારી છે. આજના સમયમાં પર્યાવરણનું જતન કરીશું તો જ આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન માટે યોગ્ય પર્યાવરણ આપી શકીશું. તેમણે દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું અને યોગને પણ પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ તેવી અપીલ કરી હતી.
વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલી ગ્રામ પંચાયતોને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ્ય સ્તરે થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યોગના વિવિધ પ્રદર્શનો દ્વારા યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉમિયાધામના ટ્રસ્ટીઓએ સંસ્થા ખાતે ૫,૦૦૦ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.
આ મહોત્સવમાં વરિષ્ઠ વન અધિકારી શ્રી સી. કે. સોનવણે, નાયબ વન સંરક્ષક શ્રી ડૉ. ડી.એફ. ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રી પી.જે. ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








