GUJARATKUTCHMANDAVI

જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી છૂટા કરવા રાજ્યસંઘની ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા.- ૨૧ ડિસેમ્બર : કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત અન્વયે કચ્છ જિલ્લામાંથી બદલી કરાવેલ શિક્ષકોને છૂટા કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના બન્ને શિક્ષણમંત્રીઓ ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયા તેમજ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મૂજબ કચ્છ જિલ્લામાં શિક્ષકોએ વર્ષ-૨૦૨૩-૨૪માં ઑફલાઈન અને વર્ષ-૨૦૨૪માં ઑનલાઈન જિલ્લાફેર બદલીઓની માંગણી કરેલ હતી. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે છેલ્લા બે વર્ષથી જિલ્લાફેર બદલી પામેલ શિક્ષકો છૂટા થઈ શકેલ નથી અને હાલમાં ઑનલાઈન બદલી પામેલ શિક્ષકો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઠરાવના કારણે ૫૦% મહેકમ હોવા છતાં છૂટા થઈ શકેલ નથી જે દુઃખદ છે. ખરેખર ૫૦ % મહેકમ જળવાતું હોય તો રાજ્યના શિક્ષણ વિભાગનો નિયમ છે કે બદલી કરાવેલ શિક્ષકોને છૂટા કરી દેવા. જિલ્લા શિક્ષણ સમિતિ શિક્ષણ વિભાગથી ઉપરવટ જઈ આવો ઠરાવ કર્યો છે, વાસ્તવમાં સમિતિ પાસે એવી સત્તાઓ હોતી નથી .

જિલ્લાના બાળકોના શિક્ષણને અસર ન થાય અને બદલી પામેલ શિક્ષકોને પોતાના વતનનો લાભ મળે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી સંગઠન દ્વારા માંગ કરાઇ છે. કચ્છમાં જિલ્લાફેર થયેલ શિક્ષકોને છૂટા કરવામાં આવે તો અબડાસા, લખપત અને નખત્રાણામાં ૫૦% થી વધુ મહેકમ ઘટી જાય તેમ છે અને ઘણી બધી શાળાઓ શૂન્ય શિક્ષકવાળી થાય તેમ છે તો ભુજ, રાપર અને ભચાઉના અંતરિયાળ વિસ્તારમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે તે સમજી શકાય છે પણ જિલ્લાફેર થયેલ શિક્ષકોને અન્યાય ન થાય અને વતનનો લાભ મળે તથા બાળકોના શિક્ષણને અસર ન થાય તે રીતે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી શિક્ષકોને છૂટા કરવા માંગણી કરાઇ છે. આ સાથે કચ્છ ઉપરાંત રાજયના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં મહેકમ તથા શિક્ષકોની ઘટ વધારે છે તેવા જિલ્લાઓમાં નવી ભરતીમાં વધારે શિક્ષકો ફાળવવામાં આવે અને બાળકોના શિક્ષણને અસર થતી હોઈ તાત્કાલિક અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી પણ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે

Back to top button
error: Content is protected !!