GUJARAT

સાપુતારા ઘાટમાર્ગમાં દીપડો અચાનક સામે આવતા એક્ટિવા ચાલક સ્લિપ થતા ઈજાગ્રસ્ત:- સદનસીબે હુમલો ટળ્યો..

 

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત પ્રવાસન ધામ સાપુતારા ઘાટમાર્ગમાં આજે સવારે એક ભયાનક બનાવ બનવા પામ્યો હતો.સાપુતારા તળેટીમાં આવેલ બરડપાણી ગામે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ધૂળે સવારે આશરે 8:00 વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા પર સવાર થઈને સાપુતારા ખાતે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા.તે દરમિયાન સાપુતારા ઘાટમાર્ગ પર આવેલ હનુમાનજી મંદિર નજીકના યુ-ટર્ન વળાંક પાસે અચાનક એક દીપડો રસ્તા પર ઉતરી આવ્યો હતો.આ દીપડો એક્ટિવા નજીક આવી જઈ એક્ટિવાને અડફેટમાં લઈ તળેટીની જંગલની ઝાડીમાં ઉતરી જતા એક્ટિવા ચાલક ભરતભાઈ હેબતાઈ ગયા હતા અને ગભરાટમાં એક્ટિવા પરથી કાબુ ગુમાવી દેતા માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના વિવિધ ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, દીપડાએ આધેડ પર કોઈ હુમલો કર્યો ન હતો અને સ્થળ પરથી પળવારમાં જ જંગલ તરફ ગાયબ થઈ ગયો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે સાપુતારા પી.એચ.સી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરનાં ડૉ માનસીએ ઇજાગ્રસ્તની સારવાર કરતા શરીરે ક્યાંય દાંત કે નખનાં નિશાન દેખાયા ન હતા.આ બનાવની જાણ શામગહાન રેંજના આર.એફ.ઓ. મંજુલાબેન ઠાકરેને થતાં જ તેઓ પોતાની ટીમ સાથે સાપુતારા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.શામગહાન વન વિભાગની ટીમે ઈજાગ્રસ્તની મુલાકાત લઈ પૂછપરછ કરતાં દીપડાએ તેમના પર કોઈ હુમલો ન કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.આમ અચાનક સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અચાનક દીપડાની ચહલ પહલથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો  છે.જેથી વન વિભાગ સત્વરે પાંજરા ગોઠવે તેવી માંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!