વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-15 એપ્રિલ : મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના સીમ વિસ્તારમા ટ્રા.સ. નં ૧૬૯ પૈકીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ તોડીને અંદાજે ૯૫ લાખ ૭૦ હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. કચ્છમાં સરકારી જમીન ઉપર અનઅધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી બી.એચ.ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર સુશ્રી કે.એસ.ગોંદિયા અને વહીવટીતંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ધ્રબ સીમ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ કુલ સાત સ્થળોએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલી હોટેલ, દુકાનો અને વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા. મુન્દ્રાના ધ્રબ સીમ વિસ્તારમા ટ્રા.સ. નં ૧૬૯ પૈકી સરકારી પડતર જમીન પર કોમર્શિયલ રીતે ગેરકાયદેસર દબાણને વહીવટીતંત્ર દ્વારા દૂર કરીને અંદાજિત કુલ ૯૫,૭૦,૦૦૦ રકમની ૧૪૫૦ ચો.મી સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારીશ્રી બી.એચ.ઝાલા દ્વારા જણાવાયું છે.