GUJARATTHARADVAV-THARAD

સોલાર કંપનીના નામે ગેળા ગામે ખેડૂતના રસ્તા પર દબાણનો આક્ષેપ!રસ્તો બચાવવા ખેડૂત પરિવારની તંત્રને ગુહાર, ધમકી અને જાતિવાદી શબ્દોના આક્ષેપથી ખળભળાટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

લાખણી તાલુકાના ગેળા ગામના ખેડૂત પરિવાર દ્વારા મહેસૂલ તંત્ર સમક્ષ રજૂઆત કરી ખેતરમાંથી પસાર થતા રસ્તાને લઈને દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં સોલાર કંપનીના કામકાજ અને સ્થાનિક જમીનમાલિકો દ્વારા રસ્તા મામલે દબાણ તથા ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
અરજદાર હરીજન (સોલંકી) મફાભાઈ ભેમાભાઈ તથા તેમના પરિવારજનો દ્વારા જણાવ્યા મુજબ, તેઓ ગેળા ગામે પોતાની ખેતીની જમીનમાં રહે છે અને પરિવારની જમીન તરફ જવા-આવવા માટે વર્ષોથી રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે. અગાઉ પણ રસ્તા બાબતે મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી સંતોષકારક કાર્યવાહી કે જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ કરાયો છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, સોલાર કંપનીને જમીન આપવામાં આવ્યા બાદ વિસ્તારમાં સોલાર કંપનીનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમના ખેતરમાંથી રસ્તો કાઢવા તથા દબાણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. પડોશી જમીનના માલિક દ્વારા પણ રસ્તા બાબતે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ અરજદારે કરી છે.
“રસ્તો આપો, નહીં તો પરિણામ ભોગવશો” જેવી ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ
અરજદારનો વધુ ગંભીર આક્ષેપ છે કે, સામાવાળાઓ દ્વારા વારંવાર તેમની નામબાની ધમકીઓ આપવામાં આવે છે. તેમજ કેટલાક લોકો લાકડી-ધોકા લઈને આવતા હોવાની વાત પણ અરજીમાં કરવામાં આવી છે. એટલું જ નહીં, જાહેરમાં જાતિવાદી શબ્દો બોલી અપમાન કરવામાં આવતું હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે.
અરજીમાં જણાવ્યા મુજબ, ખેતરના ખાતા નંબર અને સર્વે નંબરની જમીનમાંથી આવવા-જવાનો રસ્તો વર્ષોથી ઉપયોગમાં હતો. હવે રસ્તાનું દબાણ દૂર કરવાના બદલે ખેતરના શેઢા ઉપરથી રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂત પરિવારનું કહેવું છે કે, “અમારી જમીન અને ખેતીનો રસ્તો બચાવવા માટે અગાઉ પણ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.” હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી વાસ્તવિક સ્થિતિ જાણી, ગેરકાયદે દબાણ દૂર કરાવી જૂનો રસ્તો પુનઃ શરૂ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે ખેડૂત પરિવારના આક્ષેપો અંગે મહેસૂલ તંત્ર અને સંબંધિત સોલાર કંપની શું સ્પષ્ટતા કરે છે અને લાંબા સમયથી ચાલી રહેલા રસ્તાના વિવાદનો અંત ક્યારે આવે છે.

Back to top button
error: Content is protected !!