વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૫ જુલાઈ : બેટી બચાઓ બેટી પઢાઓ યોજના એ દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન દીકરીના જન્મ, દેખરેખ અને કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરે છે. આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ તેમજ ભુજ તાલુકાના પાલક માતા-પિતા યોજનાના લાભાર્થી માટે એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુક્તમને દીકરીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પુરું પાડ્યુ હતું. દીકરીના શિક્ષણ પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ. જો દીકરી શિક્ષણ મેળવશે તો પોતે સ્વનિર્ભર બની પોતાના શોખને પૂર્ણ કરવા સાથે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે. દીકરીઓને સાક્ષાત શક્તિનું પ્રતિક ગણાવીને કચ્છ કલેક્ટર એ ઉમેર્યું હતું કે, નસીબદાર વાલીઓને ત્યા દીકરીનો જન્મ થાય છે. કલેક્ટર એ આનંદ પટેલે દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેમ શુભેચ્છાઓ આપી હતી. તેઓએ સંસ્થામાં ચાલતાં શિશુગૃહની મુલાકાત કરી હતી અને સરકાર ના “બેટી બચાઓ બેટી પઢાઓ” સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઈન બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. સંસ્થાના સંચાલક ઇલાબેન અંજારિયાએ સંસ્થામાં ચાલતા વિવિધ વિભાગ ચિલ્ડ્રન હોમ, શિશુગૃહ, પ્રિવેન્ટીવ રેસ્ક્યૂ સેન્ટર વિષે વિગતે માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ કાર્યક્રમનો હેતુ જણાવીને બેટી બચાઓ બેટી પઢાઓ યોજનામાં કચ્છ કલેક્ટર ના સતત માર્ગદર્શનને બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધી સુશ્રી ભક્તીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.આ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઈનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એસ.ચૌહાણ, મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી કમળાબેન વ્યાસ, ટ્રસ્ટી મંડળ CWCના ચેરમેનશ્રી રીટાબેન અને સમિતિના સભ્યો તેમજ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ જોડાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કો-ઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ હબ ફોર વૂમેન એમ્પાવરમેન્ટના ક્રિષ્નાબેન, પૂજાબેન અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.