
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તથા આસપાસના આદિવાસી વિસ્તારોમાંથી આશરે 250થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ ખેરગામથી પીપલખેડ હાઈસ્કૂલ તથા પીપલખેડ હાઈસ્કૂલથી ખેરગામ અપ-ડાઉન કરે છે.આ રૂટથી ખાસ કરીને માંડવખડક,ગોડથલ,મિયાંઝરી,ઢોલુમ્બર,પાણીખડક,આછવણી,ખેરગામ તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને આવન-જાવન માટે લાભ મળે છે.
હાલમાં આ રૂટની બસ સેવા નિયમિત રીતે ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પીપલખેડ હાઈસ્કૂલથી આશરે 1.5 કિલોમીટર સુધી પગપાળા જવું પડી રહ્યું છે.જે બાબતે વાલીઓની ફરિયાદ પર ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને તુષાર પાવાગઢીએ તપાસ કરતા મળેલી માહિતી અનુસાર આ વિસ્તારમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા તથા આદિવાસી પરિવારોમાંથી આવે છે. ઘણા વાલીઓ રોજિંદી ખેતમજૂરી કરીને પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માટે સંઘર્ષ કરે છે.વિદ્યાર્થીઓએ શાળાએ સમયસર પહોંચવા માટે પૂરતી જાહેર પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી શાળાએ મોડા પહોંચવાની સમસ્યા થાય છે.કેટલાક વિદ્યાર્થીઓના શિક્ષણમાં નિયમિતતા ખોરવાય છે.સવાર-સાંજ આવન-જાવનમાં સલામતીનો પ્રશ્ન ઊભો થાય છે.વાલીઓ પર ખાનગી વાહનનો વધારાનો આર્થિક બોજ પડે છે.ચોમાસામાં રસ્તા પર કાદવ અને ગંદુ પાણી હોવાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે.પસાર થતા વાહનોના કારણે કાદવ/ગંદુ પાણી ઉડવાથી વિદ્યાર્થીઓના શાળાના યુનિફોર્મ ખરાબ થાય છે.1.5 કિમી પગપાળા ચાલવાથી નાના વિદ્યાર્થીઓ માટે ખાસ મુશ્કેલી સર્જાય છે.વિદ્યાર્થીઓએ નિયમિત બસ પાસ પણ કઢાવેલા હોય અને છતાં બસ સેવા ઉપલબ્ધ ન હોય તો પાસધારક વિદ્યાર્થીઓને જાહેર પરિવહનની સુવિધાનો વાસ્તવિક લાભ મળતો નથી.
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો આ નિર્ણય માત્ર પરિવહન સુવિધા નહીં પરંતુ આદિવાસી બાળકોના શિક્ષણમાં સીધું રોકાણ સાબિત થશે.



