AHAVADANGGUJARAT

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ’ની ઉજવણીમાં ડાંગના ૫૦૦ થી વધુ ખેડૂતોએ લીધો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ડાંગ જિલ્લામાં ‘ગાજર ઘાસ’ના વધતા ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે તા. ૧૬ થી ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ૨૧મા ‘ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. હર્ષદ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જાગૃતિ સપ્તાહ દરમિયાન ખેડૂતોમાં ગાજર ઘાસના નિયંત્રણ અંગે વ્યાપક જનજાગૃતિ કેળવવામાં આવી હતી. આ અંતર્ગત ઓન-કેમ્પસ તાલીમ, ઓફ-કેમ્પસ તાલીમ, ખેડૂત બેઠકો તેમજ મેથડ ડેમોન્સ્ટ્રેશન જેવી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કે.વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ગાજર ઘાસનો ભારતમાં પ્રવેશ અને ઇતિહાસ, તેનો જીવનચક્ર, માનવ તથા પશુ સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો તેમજ તેના અસરકારક નિયંત્રણ માટે જરૂરી પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખેડૂતોને ગાજર ઘાસના ઉપદ્રવને શરૂઆતના તબક્કે જ નિયંત્રિત કરવા તથા સામૂહિક રીતે તેના નાબૂદી અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પાંચ આયામો તેમજ ખરીફ ઋતુમાં વિવિધ પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ઉપયોગ અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર ‘ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ’નો લાભ ડાંગ જિલ્લાના ૫૦૦ થી વધુ ખેડૂતોએ લીધો હતો. કાર્યક્રમથી પ્રેરાઈ ખેડૂતોએ ડાંગ જિલ્લામાં ગાજર ઘાસના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા તથા ગાજર ઘાસ નાબૂદી અભિયાનમાં પૂરતો સાથ-સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આવા જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો થકી ડાંગના ખેડૂતોને વૈજ્ઞાનિક તથા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે સતત માર્ગદર્શન આપી ખેતીને વધુ ટકાઉ, ખર્ચ અસરકારક અને પર્યાવરણલક્ષી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!