BHUJGUJARATKUTCH

કચ્છ વન વર્તુળ દ્વારા કચ્છ અને પાટણ જિલ્લામાં વન વિભાગની વિવિધ કામગીરી અંગે ‘ચિંતન શિબિર’નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા- ૧૧ મે : કચ્છ વન વર્તુળ દ્વારા તારીખ ૧૧/૦૫/૨૦૨૬ના રોજ ડૉ. ધીરજ મિત્તલ, વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ, ભુજ) ના અધ્યક્ષસ્થાને કચ્છ અને પાટણ જિલ્લામાં વન વિભાગની અગત્યની બાબતો, પડકારો, વન્યપ્રાણી સંરક્ષણ અને નવા પ્રોજેક્ટ્સ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવા માટે એક ‘ચિંતન શિબિર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ વન સંરક્ષકશ્રી જયન પટેલ (કચ્છ સામાજિક વનીકરણ વિભાગ), શ્રી નેવિલ ચૌધરી (બન્ની ગ્રાસલેન્ડ વિભાગ), શ્રી હર્ષ જે. ઠક્કર (કચ્છ પશ્ચિમ વન વિભાગ), શ્રી નિકુંજ પરમાર (પાટણ વન વિભાગ) તથા તમામ વિભાગના મદદનીશ વન સંરક્ષકશ્રીઓ અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિબિરના મુખ્ય મુદ્દાઓ: ચિંતન શિબિર દરમિયાન કચ્છ વન વર્તુળ હેઠળના વિવિધ વિભાગો દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. વન સંરક્ષણ અને વનીકરણ: નર્સરી ઉછેર, વનીકરણ અને ફોરેસ્ટ કવર વધારવા અંગેની વ્યૂહરચના.મહત્વના પ્રોજેક્ટ્સ: ‘વન કવચ’, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ (ચેર) વાવેતર, બન્ની વિસ્તારમાં ચિત્તા પ્રોજેક્ટ વન્યજીવ સંરક્ષણ: ઘોરાડ (Great Indian Bustard), કેરાકલ (હેણોતરો), દીપડા, ચિંકારા, મગર, ઘોરખોદિયું, ઘુડખર, શાહુડી, અને સાંઢા (Spiny-Tailed Lizard), ફ્લેમિંગો જેવા વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન.દરિયાઈ જીવસૃષ્ટિ: ડોલ્ફિન અને દરિયાઈ કાચબાના તથા અન્ય દરિયાઈ જીવોના સંરક્ષણ માટેના પ્રયાસો.પડકારો અને નિવારણ: માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા, ભૂમિ ભેજ સંરક્ષણની કામગીરી અને છારીઢંઢ વેટલેન્ડ રામસર સાઈટના વ્યવસ્થાપન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વન વિભાગની કાર્યક્ષમતા વધારવી અને પર્યાવરણ તેમજ વન્યજીવોના જતનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે સચોટ રોડમેપ તૈયાર કરવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!