
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
સમાજ સેવા અને શિક્ષણના ક્ષેત્રે ડુમરાના શાહ પરિવારનું અનન્ય યોગદાન: ગરીબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનતી સંસ્થાઓ
મુંદરા, તા. 27:
સામાન્ય રીતે ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી બંને એકસાથે બહુ ઓછા પરિવારોમાં જોવા મળે છે, પરંતુ કચ્છના ડુમરા ગામના નવાવાસ મંડળના જૈન અગ્રણી સ્વ. વસનજી લખમશી શાહ અને સ્વ. રામભાઈ લખમશી શાહનો પરિવાર આ બાબતે અપવાદરૂપ સાબિત થયો છે. આ પરિવાર પર લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા અવિરત વરસી રહી છે.
કચ્છી સમાજમાં ‘અજાતશત્રુ’ તરીકે જાણીતા સ્વ. વસનજીભાઈ લખમશી શાહ અનેક ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના સૂત્રધાર રહ્યા હતા. તેમણે અનેક સંસ્થાઓને માત્ર આર્થિક સહયોગ જ નહીં પરંતુ પોતાના બહોળા વહીવટી અનુભવનો લાભ આપીને સંસ્થાઓને વેગવંતી બનાવી હતી. શિક્ષણ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
તેમના જ ભાઈ સ્વ. રામભાઈ શાહ આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા. તેઓ તે સમયે અમેરિકામાં એમ.બી.એ.ની ડિગ્રી મેળવનાર સમાજના પ્રથમ વિદ્યાર્થી હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વતનમાં પરત ફરી તેમણે પોતાના ભાઈ વસનજીભાઈ પાસેથી મળેલા ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરી સમાજ સેવાના કાર્યોમાં ઝંપલાવ્યું હતું. બંને ભાઈઓએ સાથે મળીને જરૂરતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના અને તેમના કરિયરને ઉજ્જવળ બનાવવાના ઉમદા હેતુથી વિવિધ સંસ્થાઓને મજબૂત કરી હતી.
પિતાના પગલે ચાલીને તેમના સુપુત્ર શ્રી પિયુષભાઈ વસનજી શાહે પણ સેવાની આ જ્યોતને પ્રજ્વલિત રાખી છે. પિયુષભાઈ અને તેમના પુત્રો રીખવ તથા રૂષભે ભુજ નજીક માધાપર-સુખપર રેલવે ક્રોસિંગ પાસે આવેલા પછાત વર્ગના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી માહિતી પૂરી પાડતી સંસ્થા ‘કરમ શૈક્ષણિક સંસ્થા’ ને આર્થિક અને નૈતિક ટેકો આપીને બેઠી કરી છે.
હાલમાં ‘કરમ શૈક્ષણિક સંસ્થા’ નો વહીવટ ડૉ. પ્રેમકુમાર કન્નર (૯૯૦૯૯ ૪૯૩૦૪), ડૉ. એલ.વી. ફફલ (૯૮૨૫૬ ૫૫૮૯૭) અને ગોવિંદભાઈ મહેશ્વરી (૯૯૭૯૩ ૨૬૭૫૮) જેવા નિષ્ણાતો દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. આ મહાનુભાવો દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થી કે વાલીએ યોગ્ય માર્ગદર્શન માટે સંસ્થાના આ સૂત્રધારોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




