
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ચૂંટણીની ચોપાટ : મુંદરામાં જામશે ચૂંટણીનો જંગ: ભાજપના વિકાસના દાવા સામે વિપક્ષના વેધક સવાલો, શું આ વખતે ‘૫૦-૫૦’ ના એંધાણ?
મુંદરા, તા. 25:
કચ્છ જિલ્લાના મહત્વના ગણાતા મુંદરા-બારોઈ નગરપાલિકાની સ્થાપના બાદ આવતીકાલે રવિવાર, ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ બીજી ટર્મ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. વોર્ડ નંબર ૧ થી ૭ ની કુલ ૨૮ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે (2 આપ અને 2 અપક્ષને બાદ કરતા) સીધો જંગ જામ્યો છે. એક તરફ સત્તાધારી પક્ષ પોતાના પાંચ વર્ષના શાસનકાળમાં કરેલા ૧૬૪ કરોડના વિકાસકામોના જોરે ફરી સત્તા મેળવવા આશાવાદી છે તો બીજી તરફ વિપક્ષ પાયાની સુવિધાઓના અભાવને મુદ્દો બનાવી પરિવર્તનનો દાવો કરી રહ્યો છે.
સત્તાપક્ષના દાવા અને વિપક્ષના આક્ષેપો:
શાસક પક્ષ ભાજપ દ્વારા ગૌરવપથ-૧ અને ગૌરવપથ-૨ જેવા આધુનિક રસ્તાઓના નિર્માણને પોતાની મુખ્ય સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. જોકે વિપક્ષ આ કામો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયા હોવાનું જણાવી નગરપાલિકાના પોતાના આયોજન સામે સવાલ ઉઠાવી રહ્યો છે. ખાસ કરીને મુંદરા-બારોઈને જોડતા નવા બનેલા ‘લીસા’ (જેને લોકો મજાકમાં ‘માધુરીના ગાલ’ જેવા એવું ઉપનામ આપેલ છે) રસ્તાઓ પર વાહનચાલકો સ્લિપ થવાના બનાવોને લઈ વિપક્ષે ‘વિકાસ’ સામે કટાક્ષ કર્યો છે.
પાયાની સુવિધાઓનો પ્રશ્ન:
ચૂંટણીના આ માહોલમાં શિક્ષણ, આરોગ્ય અને પાણી જેવા પાયાના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે:
* શિક્ષણ:વધતી વસ્તી છતાં નવી સરકારી માધ્યમિક શાળા કે કોલેજનો અભાવ અને સોસાયટી વિસ્તારોમાં આંગણવાડીઓની અછતને કારણે મધ્યમ વર્ગ પ્રાઈવેટ શિક્ષણના મોંઘા ખર્ચ તળે દબાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે.
* આરોગ્ય: તાલુકા અને શહેરી આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવણીમાં નગરપાલિકાની નિષ્ફળતા ચર્ચાનો વિષય બની છે.
* પીવાનું પાણી: નર્મદાના નીરના લોકાર્પણ છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીના વાહનોની અવર જવર અને ૨૦ લીટરના કેન પરની નિર્ભરતા વિપક્ષના આક્ષેપોને બળ પૂરું પાડે છે.
*સાફ-સફાઈ: સફાઈ કામદારોના પગાર અને ભથ્થાઓના પ્રશ્નો તેમજ મુખ્ય અધિકારી (CO) ની વારંવારની બદલીને કારણે વહીવટી કામગીરી પર પડતી અસર પણ ચર્ચામાં છે.
ચૂંટણીલક્ષી સમીકરણો અને પરિવર્તનના સંકેત:
આ વખતે મુંદરામાં રાજકીય સમીકરણો રસપ્રદ બન્યા છે. વિપક્ષી છાવણીમાં એક યુવા દંપતી દ્વારા શરૂ કરવામાં આવેલી જનહિતની લડત હવે એક મોટા ‘કારવાં’માં ફેરવાઈ છે જે ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં પણ ગાબડું પાડવા સજ્જ દેખાય છે. બીજી તરફ સત્તાધારી પક્ષમાં અન્ય પક્ષના સભ્યોને સામેલ કરી ટિકિટ આપવાના નિર્ણયથી આંતરિક અસંતોષ અને નિષ્ઠાવાન કાર્યકરોની નારાજગી પરિણામ પર અસર કરી શકે છે. ક્ષત્રિય સમાજમાં પણ સ્થાનિક સ્તરે પ્રવર્તતી નારાજગી ચૂંટણીના પરિણામોને ચોંકાવનારા બનાવી શકે છે.
નિષ્કર્ષ:
આત્મવિશ્વાસ અને અભિમાન વચ્ચે દોરામાત્રનો ફેર હોય છે ત્યારે ગત ચૂંટણીમાં ૨૮ માંથી ૧૯ બેઠકો મેળવનાર ભાજપ આ વખતે તમામ ૨૮ બેઠકો જીતવાનો દાવો વ્યક્ત કરી રહ્યો છે જ્યારે વિપક્ષ પોતાની બેઠકોની સંખ્યામાં ધરખમ વધારો કરી ૫૦% થી વધુ સીટો જીતવાનો વિશ્વાસ કરી રહ્યો છે. રખડતા ઢોરોના પ્રશ્નથી લઈને જાહેર મુતરડીઓ સુધીના સ્થાનિક પ્રશ્નો વચ્ચે આવતીકાલે મુંદરાના મતદારો કોના પર મહોર મારે છે તેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




