KUTCHMUNDRA

મુંદરામાં ઇતિહાસ રચાયો: ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’ની ભવ્ય નવરચના, રાહુલ દાવડા બન્યા પ્રમુખ

પત્રકારોની એકતા અને હિત માટે સંગઠન મેદાને; જોકે પ્રથમ ઐતિહાસિક બેઠકમાં મહિલા પત્રકારોની ગેરહાજરી ચિંતાનો વિષય

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

મુંદરામાં ઇતિહાસ રચાયો: ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’ની ભવ્ય નવરચના, રાહુલ દાવડા બન્યા પ્રમુખ

પત્રકારોની એકતા અને હિત માટે સંગઠન મેદાને; જોકે પ્રથમ ઐતિહાસિક બેઠકમાં મહિલા પત્રકારોની ગેરહાજરી ચિંતાનો વિષય

મુંદરા (કચ્છ):

મુંદરા શહેર અને સમગ્ર તાલુકાના પત્રકાર જગત માટે આજનો દિવસ ઐતિહાસિક અને સુવર્ણ અક્ષરે લખવા જેવો સાબિત થયો છે. વર્ષો જૂનું સ્વપ્ન અને અનેક વરિષ્ઠ પત્રકારોની મહેનત આજે રંગ લાવી છે. મુંદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકારોની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’ની વિધિવત અને ભવ્ય નવરચના કરવામાં આવી છે.

આ ઐતિહાસિક મીટિંગ પત્રકાર સંઘના આદરણીય ફાઉન્ડર શ્રી દિલીપભાઈ ગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સ્વર્ગસ્થ શ્રી કપિલભાઈ કેસરિયા અને શ્રી દિલીપભાઈ ગોરની ઘણા વર્ષોથી એ જ ઈચ્છા અને ધ્યેય હતો કે મુંદરા તાલુકાના તમામ પત્રકાર મિત્રો એક મંચ પર આવે, સંગઠિત થાય અને એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બને. આ સપનું સાકાર કરવા માટે દિલીપભાઈ ગોરની અથાક મહેનત આખરે પરિપૂર્ણ થઈ અને આજે આ દિશામાં પ્રથમ સફળ મીટિંગનું સફળ આયોજન થયું.

ભાવભીની શ્રદ્ધાંજલિથી શરૂઆત:

મીટિંગની શરૂઆતમાં જ પત્રકારત્વ જગતના આદરણીય અને દિવંગત શ્રી કપિલભાઈ કેસરિયાને યાદ કરી, તેમની ખાલીપો અનુભવતા ઉપસ્થિત સર્વે પત્રકારોએ બે મિનિટનું મૌન પાળી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ચર્ચા અને મહત્ત્વના નિર્ણયો:

શ્રદ્ધાંજલિ બાદ શરૂ થયેલી મીટિંગમાં ઉપસ્થિત મુંદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક પત્રકારે પોતપોતાના ખુલ્લા અને મહત્ત્વના સૂચનો રજૂ કર્યા હતા. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારો સાથે થતા કોઈપણ અન્યાય, ખોટા પોલીસ કેસ, કે કોઈ ધાક-ધમકી આપી પરેશાન કરે તો તેની સામે મજબૂતાઈથી, એકસાથે અવાજ ઉઠાવવાનો નક્કી કરવામાં આવ્યો. આ સિવાય પત્રકારત્વના ક્ષેત્રમાં કોઈ અન્ય મુશ્કેલી પડે તો પરિવારની જેમ એકબીજાને મદદરૂપ થવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

આ સંગઠનમાં કોઈ પત્રકાર મોટો કે નાનો નથી, પરંતુ દરેક સભ્ય સર્વસમાન અધિકાર અને સન્માન સાથે આ ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’નો ભાગ છે, તે વાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

ટીમ મુંદરા પત્રકાર સંઘ (નવનિયુક્ત હોદ્દેદારો):

મીટિંગમાં સર્વસંમતિથી નવા પ્રમુખ અને વિવિધ હોદ્દા માટે નીચે મુજબના સાથી પત્રકારોની વરણી કરવામાં આવી:

 * પ્રમુખ: રાહુલભાઈ દાવડા

 * કાર્યકારી પ્રમુખ: સલીમભાઈ સમા

 * મહામંત્રીઓ: કાસમ ખલીફા, કપિલ વ્યાસ

 * ઉપપ્રમુખો: જગદીશભાઈ કેસરિયા, ઈબ્રાહિમભાઈ તુર્ક, જગદીશભાઈ ફફલ

 * ખજાનચી: અરસાન તુર્ક

 * સંગઠન મંત્રીઓ: સિરાજ મલેક, હરિભાઈ ગઢવી

 * લીગલ એડવાઈઝર: ઈમ્તિયાઝ મોયડા

 * સલાહકાર: દિવ્યેશભાઈ વૈધ, રાજ સંઘવી

 * કારોબારી સભ્યો: આરીફ ખલીફા, શબિર તુર્ક, ભુવનેશ જોષી, ઇમરાન અવાડીયા, સેહબાજ ખોજા, અબ્દુલ માંજલીયા, પરેશ રાઠોડ, ગુલામ સમેજા, નરસિંહ વિંઝોડા.

અજયભાઈ કોટક અને વિનોદભાઈ મહેતા અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેઓએ મીટિંગ માટે અને નવા સંગઠન માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી છે. આગામી સમયમાં તેઓને પણ સંગઠનમાં યોગ્ય જવાબદારી સોંપવામાં આવશે.

મીટિંગનું સમાપન:

મીટિંગના અંતે નવનિયુક્ત પ્રમુખ રાહુલભાઈ દાવડા દ્વારા ઉપસ્થિત તમામ સિનિયર અને યુવા પત્રકાર મિત્રોનો આભાર માની આભારવિધિ સાથે મીટિંગને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

વિશેષ નોંધ:

મુંદરાના પત્રકાર ઇતિહાસની આ પ્રથમ ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બેઠકમાં મુંદરા તાલુકા અને શહેરના પત્રકારો સંગઠિત થયા તે આનંદની વાત છે, પરંતુ એક મહત્ત્વની અને ચિંતાજનક બાબત સામે આવી છે કે આ મીટિંગમાં એક પણ મહિલા પત્રકારની ઉપસ્થિતિ જોવા મળી નહોતી. ભારતનું બંધારણ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તક અને ચોક્કસ ટકાવારીમાં ભાગીદારી આપે છે. આજના સમયમાં જ્યારે મહિલાઓ અણુશક્તિથી માંડીને અવકાશ સુધીના તમામ ક્ષેત્રમાં મોખરે છે, ત્યારે પત્રકારત્વ જેવા મહત્ત્વના અને જવાબદાર ફિલ્ડમાં મુંદરા જેવા વિકાસશીલ તાલુકામાં સંગઠનની પ્રથમ મીટિંગમાં એક પણ મહિલા સભ્યનું હાજર ન હોવું એ ખરેખર ચિંતા અને આશ્ચર્યજનક બાબત છે. પત્રકાર સંઘ ભવિષ્યમાં આ અંગે પણ વિચારણા કરે તે ઈચ્છનીય છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!