
મહાદેવ પુરા (ગ) ગામમાં બાવીસી કડવા પાટીદાર સમાજ મહિલા સંગઠનની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગ) મુકામે શ્રી બાવીસી કડવા પાટીદાર સમાજ મહિલા સંગઠન મંડળની મહત્વપૂર્ણ બેઠક શિવશક્તિ ગુરુ મહારાજ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાઈ હતી. બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ ઠરાવો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં સુંસી ગામના મહિલા મંડળના પ્રતિનિધિઓ ભીખીબેન પટેલ, રમીલાબેન પટેલ, કૈલાશબેન પટેલ, કપિલાબેન પટેલ, શર્મિષ્ઠાબેન પટેલ અને શીતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સમાજમાં લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી અને દેખાદેખીના ખર્ચને મર્યાદિત કરવા, જન્મ અને મરણ પ્રસંગે સાદગી અપનાવવા, દીકરા-દીકરીને ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ અપાવવા, બાવીસી સમાજ શાળા સંકુલના વિકાસમાં સહભાગી બનવા તેમજ સમગ્ર પંથકમાં વ્યસનમુક્તિ અભિયાનને વધુ અસરકારક રીતે ચલાવવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મહિલાઓના સામાજિક, શૈક્ષણિક અને પારિવારિક સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધે તે માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું અભિવાદન સમાજના અગ્રણી અને પૂર્વ ઉપસરપંચ રમેશભાઈ પટેલે કર્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી સમાજહિતના સંકલ્પોને સમર્થન આપ્યું હતું.




