MEHSANAVIJAPUR

સોલરનું કામ ન કરતાં ફરિયાદ કરી તો શિક્ષક પર જીવલેણ હુમલો

વિજાપુરમાં કારોમાં ધસી આવેલા 8થી 10 શખ્સોએ ધોકા વડે માર માર્યો, 4 નામજોગ સહિત 10 સામે ગુનો

સોલરનું કામ ન કરતાં ફરિયાદ કરી તો શિક્ષક પર જીવલેણ હુમલો
વિજાપુરમાં કારોમાં ધસી આવેલા 8થી 10 શખ્સોએ ધોકા વડે માર માર્યો, 4 નામજોગ સહિત 10 સામે ગુનો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી
સોલર પ્લાન્ટ લગાવવાનું કામ સમયસર પૂર્ણ ન થતાં ફરિયાદ કરવી એક શિક્ષકને ભારે પડી હતી. આરોપીએ ફોન પર ગાળો આપી રાત્રે મળવા બોલાવ્યા બાદ બે કારમાં ધસી આવેલા શખ્સોએ શિક્ષક અને તેમના બે મિત્ર પર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ વિજાપુરમાં નોંધાયો છે. પોલીસે ચાર નામજોગ અને પાંચથી છ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ વિજાપુરના 7 અક્ષર બંગલોઝમાં રહેતા અને સોજા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંદીપકુમાર સોમાભાઈ પટેલે પોતાના મકાનમાં સોલર સિસ્ટમ લગાવવા માટે સરદારપુરના રવિકુમાર ચંદ્રકાંતભાઈ પટેલને કામ સોંપ્યું હતું. કામ માટે એડવાન્સ રકમ ચૂકવાઈ હતી, પરંતુ ત્રણ મહિના વીતી ગયા છતાં સોલર સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. ત્યારબાદ મિત્ર મારફતે એડવાન્સની રકમ પરત મળી હતી. બાદમાં ફરિયાદીએ આ અંગે આરોપીના કાકાને રજૂઆત કરી હતી.
ફરિયાદ મુજબ, આ વાતથી ઉશ્કેરાયેલા રવિકુમારે વારંવાર ફોન કરીને અભદ્ર ગાળો આપી હતી અને રાત્રે સહદેવ પ્લેટિનિયમ પાસે બોલાવ્યો હતો. ફરિયાદી પોતાના મિત્રો સાથે ત્યાં પહોંચતા બે કારમાં આવેલા આશરે 8થી 10 શખ્સો ધોકા લઈને તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ ફરિયાદી અને તેમના સાથીદારોને માર મારી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Back to top button
error: Content is protected !!