MEHSANAVIJAPUR

મોંઘીદાટ શિક્ષણ વચ્ચે 42 પરગણા વણકર સમાજની અનોખી પહેલ

મોંઘીદાટ શિક્ષણ વચ્ચે 42 પરગણા વણકર સમાજની અનોખી પહેલ
ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અત્યાર સુધી રૂ. 7.30 લાખની સહાયવાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આજના પ્રાઇવેટિકરણના યુગમાં શિક્ષણ દિવસેને દિવસે મોંઘું બનતું જાય છે. સારી શાળાઓ અને કોલેજોમાં ઊંચી ફી, ટ્યુશનનો ખર્ચ અને સ્પર્ધાત્મક અભ્યાસક્રમને કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સમાજ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક સહાય અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
મહેસાણા જિલ્લામાં 42 પરગણા વણકર સમાજની યુવા શિક્ષણ સમિતિએ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરી અનોખો દાખલો બેસાડ્યો છે. ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત સમાજના સભ્યો પાસેથી માસિક માત્ર રૂ.100ની સભ્યફી લેવામાં આવી હતી. સમાજના અંદાજે 440 સભ્યો જોડાતા સમિતિએ રૂ.14 લાખ જેટલું ભંડોળ એકત્ર કર્યું છે.
આ ભંડોળમાંથી આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહી છે. સમિતિએ અત્યાર સુધીમાં પાંચ ડોક્ટર બનતા વિદ્યાર્થીઓ, સાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એક એનઆઇટી એન્જિનિયરિંગ વિદ્યાર્થી તેમજ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને શૈક્ષણિક ખર્ચ માટે મદદરૂપ સહાય આપી છે.
સમિતિ દ્વારા ખાસ કરીને વધુ આર્થિક મુશ્કેલીમાં જીવતા વિદ્યાર્થીઓને ગુપ્ત રીતે દાન આપી શિક્ષણમાં આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 22 જેટલા વિદ્યાર્થીઓને રૂ.7.30 લાખથી વધુની સહાય આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સમાજની આ સેવાભાવી પ્રવૃત્તિએ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષણ ક્ષેત્રે આવી સહાયથી અનેક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે અને તેમનું જીવનસ્તર પણ ઊંચું આવી શકે છે.

Back to top button
error: Content is protected !!