વિજાપુર લાડોલ સી.આર.સી.કક્ષાએ કલા ઉત્સવ યોજાયો.
૩૬ વિદ્યાર્થીઓએ ‘ગરવી ગુજરાત’ થીમ પર પોતાની કલા પ્રસ્તુત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જી.સી.આર.ટી,ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા માર્ગદર્શન હેઠળ લાડોલ સી.આર.સી.,આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ વિજાપુર તાલુકાના લાડોલ ગામે પ્રાથમિક કન્યા શાળામાં યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય તેમજ સંગીતમાં ગાયન અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યો ના વિકાસના ભાગરૂપે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જી.સી.આર.ટી,ગાંધીનગર દ્વારા આ વખતે કલા ઉત્સવની થીમ ‘ગરવી ગુજરાત’ ના નામ રાખવામાં આવ્યુ છે જેમાં ગુજરાત રાજ્ય ની વિવિધ કલાઓ સંસ્કૃતિ,કવિઓ,સ્થાપત્યો,ઐતિહાસિક વરસો,કુદરતી વરસો,સાહિત્ય,તહેવારો,મેળાઓ,હસ્ત કલાઓ વીરાંગનાઓ,ભાષા,નૃત્ય વગેરે બાબતોને ધ્યાને રાખીને લાડોલ ક્લસ્ટરની 9 જેટલી પ્રાથમિક શાળાના ધોરણ- ૬ થી ૮ ના ૩૬ વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવમાં પોતાની ઉત્કૃષ્ઠ કલા અને સ્વ નિર્મિત સાહિત્યિક રચનાઓ રજૂ કરી હાજર જનો સૌને આશ્વર્યચકિત કર્યાં હતા. વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર ૧૦ શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી. ચિત્ર સ્પર્ધામાં લાડોલ કન્યા શાળાની વિદ્યાર્થીની પ્રિયાંશી ઠાકોરે પ્રથમ નંબર મેળવ્યો. એમ.બી.ટ્રસ્ટ, ઉચ્ચ પ્રા.શાળાની વિદ્યાર્થીની રીયા પટેલે દ્વિતીય અને મહાદેવપુરા (મ) પ્રા.શાળાના વિદ્યાર્થી પૂર્વ રાજ પરમારે તૃતીય ક્રમ મેળવ્યો હતો. બાળ કવિ ગાન સ્પર્ધામાં કરશન પુરા પ્રા.શાળાના વિદ્યાર્થી કુલદીપ ઠાકોરે પ્રથમ નંબર તેમજ એમ.બી.ટ્રસ્ટ, ઉચ્ચ પ્રા.શાળાની વિદ્યાર્થીની નિધી ઠાકોરે દ્વિતીય અને લાડોલ પ્રા.કુમાર શાળાના વિરલ રબારીએ તૃતીય નંબર મેળવ્યો હતો. સંગીત ગાયન સ્પર્ધામાં અભરામ પુરા પ્રા.શાળાની વિદ્યાર્થીની રોશની ઠાકોરે પ્રથમ નંબર, મહાદેવપુરા (મ) પ્રા.શાળાની શિવાની પરમારે દ્વિતીય અને અમર પુરા પ્રા.શાળાની રોશની ઠાકોરે તૃતીય નંબર મેળવ્યો હતો. સંગીત વાદન સ્પર્ધામાં માલોસણ પ્રા.શાળાના વિદ્યાર્થી સમીરે પ્રથમ નંબર, હાથી પુરા પ્રા.શાળાના રાજ્યપાલ સિંહ રાઠોડે દ્વિતીય અને અમર પુરા પ્રા.શાળાના હાર્દિક ઠાકોરે તૃતીય ક્રમ મેળવ્યો હતો. થીમ આધારિત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા તથા સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રોકડ રકમ તેમજ વસ્તુ સ્વરૂપે ઇનામ, પુસ્તક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેશે. સી.આર.સી. કૉ.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ દ્બારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. સમ્રગ કાર્યક્રમની વ્યવસ્થા લાડોલ પ્રાથમિક કન્યાશાળા આચાર્ય કમલેશભાઈ પટેલ અને શાળાના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી .