MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત કામિનીબેન પટેલ પ્રમુખ અને બીનાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયા

વિજાપુર નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત
કામિનીબેન પટેલ પ્રમુખ અને બીનાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયા

oppo_0

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મંગળવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.કે. રાઠોડ તથા પાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતાં પ્રમુખ તરીકે કામિનીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે બીનાબેન પટેલ બહુમતીથી વિજેતા બન્યા હતા.
વિજાપુર નગરપાલિકાના 7 વોર્ડમાંથી ચૂંટાયેલા કુલ 28 સભ્યોમાં ભાજપના 24 અને કોંગ્રેસના 4 સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે કામિનીબેન પટેલ તથા ઉપપ્રમુખ પદ માટે બીનાબેન પટેલના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે શેખ મુશીરા બાનું અને ઉપપ્રમુખ પદ માટે તબીસ્તા બાનું પઠાણે ઉમેદવારી નોંધાવી હતી.મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમુખ પદ માટે કામિનીબેન પટેલને 24 મત મળતાં તેઓ બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદ માટે બીનાબેન પટેલને પણ 24 મત મળતાં તેઓ વિજયી બન્યા હતા. પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી વિજેતાઓનું સ્વાગત કર્યું હતું.
ચૂંટણી બાદ ભાજપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ પરમાર, દંડક તરીકે જયવીર બારોટ તથા પક્ષના નેતા તરીકે ગૌરવ દેસાઈના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખ કામિનીબેન પટેલે શહેરના પડતર પ્રશ્નોના નિરાકરણ અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 2 વિસ્તારમાં વેરા વાસણથી ખત્રી કુવા રોડ ઉપર વરસાદી અને ગટરનું પાણી ફેલાતી સમસ્યા લાંબા સમયથી યથાવત હોવાથી તેના નિરાકરણ અંગે પણ લોકોમાં અપેક્ષા ઉભી થઈ છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!