
વિજાપુરમાં કે.પી. પટેલ સેકન્ડરી સ્કૂલનું શાનદાર પરિણામ
SSC પરીક્ષામાં તાલુકાના ટોપ-5માં સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો, બે વિદ્યાર્થીનીઓએ 587 ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા SSC–2026ના પરિણામમાં વિજાપુરની આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી. પટેલ સેકન્ડરી સ્કૂલે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી તાલુકામાં ફરી એકવાર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. શાળાનું કુલ પરિણામ 93.13 ટકા આવ્યું છે. ખાસ વાત એ રહી કે સમગ્ર વિજાપુર તાલુકાના પ્રથમ પાંચ ક્રમે કે.પી. પટેલ સેકન્ડરી સ્કૂલના જ વિદ્યાર્થીઓ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
શાળાની વિદ્યાર્થીની સુખડીયા ભક્તિ મિહિરભાઈ અને પટેલ શ્લોકા નિરવકુમારે 600માંથી 587 ગુણ મેળવી તાલુકામાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર તેમજ વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
શાળાના કુલ 312 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ જ્યારે 76 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિષયવાર પરિણામમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 ટકા, વિજ્ઞાનમાં 94.63 ટકા અને સામાજિક વિજ્ઞાનમાં 99.40 ટકા પરિણામ નોંધાયું છે.
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી શિક્ષણ પદ્ધતિમાં કરાયેલા ફેરફારો, રમતગમત સાથે સર્વાંગી વિકાસ પર અપાયેલ ભાર અને મળેલા શ્રેષ્ઠ શાળા એવોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન રૂપે સામે આવ્યું છે.
વિદ્યાર્થીઓની સફળતા બદલ શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ આનંદ વ્યક્ત કરી તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.



