
વિજાપુર તાલુકા પંથક માં પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને શરમજનક બનાવતો કિસ્સો બહાર આવ્યો સાવકા પિતાની હવસનો સગીરા ભોગ બનેલી સગીરાએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ મથકના વિસ્તાર માંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક સાવકા પિતાએ પોતાની જ સગીર વયની દીકરીને લાંબા સમય સુધી હવસનો શિકાર બનાવ્યાની ગંભીર ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાની માતાએ બીજા લગ્ન કર્યા બાદ પરિવાર સાથે રહેતા સાવકા પિતાએ જ આ જઘન્ય કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે માતા બજારમાં દુકાને વેપાર કરવા જતી ત્યારે આરોપી સાવકો પિતા ઘરમાં એકાંતનો લાભ ઉઠાવતો હતો. સગીરા તથા તેની માતાને ઘરમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ડરનો માહોલ ઉભો કરી આરોપીએ પોતાની હવસ સંતોષી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2022ની દિવાળી બાદથી જ્યારે સગીરાની ઉંમર 16 વર્ષથી ઓછી હતી ત્યારથી લઈને આશરે એકાદ મહિના અગાઉ સુધી આરોપી દર ત્રણ-ચાર દિવસે સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારતો હતો. આ દરમિયાન સગીરાને મારઝૂડ પણ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
લાંબા સમય સુધી નરક સમાન યાતનાઓ સહન કર્યા બાદ અંતે સગીરાએ હિંમત એકઠી કરી પોતાના સાવકા પિતા વિરુદ્ધ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(એફ)(એમ), 65(1), 115(2), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4(1)(2), 5(એલ)(એન), 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.




