MEHSANAVIJAPUR

વિજાપુરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મામલે તંત્ર સક્રિય દીપિકા વુમન્સ હોસ્પિટલમાં તપાસ, સોનોગ્રાફી રૂમ સીલ

વિજાપુરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મામલે તંત્ર સક્રિય
દીપિકા વુમન્સ હોસ્પિટલમાં તપાસ, સોનોગ્રાફી રૂમ સીલ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ગર્ભ પરીક્ષણ સામે કડક કાર્યવાહી માટે તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં આવેલ દીપિકા વુમન્સ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી, જેમાં ડોક્ટર ગેરહાજર હોવાને કારણે સોનોગ્રાફી મશીનના રૂમને સીલ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં ઘટતા સેક્સ રેશિયો અંગે ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીસીપીએનડીટી એક્ટ હેઠળ કડક અમલ માટે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક તાલુકામાં અન્ય તાલુકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્ટિંગ ઓપરેશન અને ચકાસણી કરવાની દિશામાં નિર્ણય લેવાયો હતો.
તે મુજબ તા. 23 એપ્રિલના રોજ મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળી તથા વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની ટીમે સંયુક્ત રીતે વિજાપુરની દીપિકા વુમન્સ હોસ્પિટલમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાને કારણે મશીન અથવા રેકોર્ડ સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સોનોગ્રાફી રૂમને સીલ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં ડોક્ટરની હાજરીમાં સીલ ખોલી સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તપાસોના રેકોર્ડ, રજીસ્ટર તથા ફોર્મની નિયમિત નોંધણી થઈ છે કે નહીં તેની વિસ્તૃત તપાસ કરવામાં આવશે. સાથે જ દર્દીઓને સોનોગ્રાફી રિપોર્ટ આપવામાં આવ્યા છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવશે.
આ કાર્યવાહીથી આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ સામે હવે કડક પગલાં લેવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!