MEHSANAVIJAPUR

બિલીયા ગ્રામ પંચાયતમાં નવી ઇમારતની ગ્રાન્ટ રદ કરવા માંગ, સરપંચના પતિના વહીવટ સામે પણ રજૂઆત વિજાપુર તાલુકાના બિલીયા ગામના જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી

બિલીયા ગ્રામ પંચાયતમાં નવી ઇમારતની ગ્રાન્ટ રદ કરવા માંગ, સરપંચના પતિના વહીવટ સામે પણ રજૂઆત
વિજાપુર તાલુકાના બિલીયા ગામના જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બિલીયા ગામે ગ્રામ પંચાયતની નવી ઇમારત બનાવવા માટે મંજૂર થયેલી ગ્રાન્ટ રદ કરી હાલની જૂની ગ્રામ પંચાયતની ઇમારતને જ યથાવત રાખવાની માંગ સાથે ગામના પટેલ ભુપેન્દ્રભાઈ મથુરભાઈ એ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત વિજાપુરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ બિલીયા ગામમાં હાલની ગ્રામ પંચાયતની ઇમારત સારી અને ટકાઉ સ્થિતિમાં છે. તેમ છતાં નવી ગ્રામ પંચાયતની ઇમારત બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જૂની ઇમારતનું જરૂરી ક્લર સહિતનું રિનોવેશન કરવામાં આવે તો તે નવી ઇમારત જેવી બની શકે તેમ હોવાથી નવી ઇમારત પાછળ સરકારી નાણાં ખર્ચવા થી ગ્રાન્ટનો બિનજરૂરી ઉપયોગ થવાની શક્યતા રહેલી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદાર ભૂપેન્દ્ર ભાઈ એ વધુમાં રજૂઆત કરી છે કે હાલની ગ્રામ પંચાયત ગામની વચ્ચોવચ્ચ આવેલી છે, જ્યારે નવી પંચાયત માટેની સૂચિત જગ્યા ગામજનો ની નજરે સરળતાથી આવે તેવી નથી. જેથી જૂની પંચાયતની ઇમારતને જાળવી રાખીને જરૂરી સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે.
સરપંચના પતિ દ્વારા પંચાયતનો વહીવટ કરાતો હોવાનો આક્ષેપ અરજીમાં બિલીયા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કમુબેન ચીમનલાલ પટેલના પતિ ચીમનલાલ અંબાલાલ પટેલ દ્વારા પંચાયતનો વહીવટ સંભાળવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રજૂઆત મુજબ પંચાયતની બેઠકો દરમિયાન ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિઓ હાજર રહેતા હોવાના આક્ષેપ સાથે આ બાબતે તપાસ કરવાની માંગ કરાઈ છે.
અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સરપંચના પતિ પંચાયત ખાતે બેસી રહીને વિવિધ કામગીરી સંભાળે છે અને પોતે જ સરપંચ હોવાનો દાવો કરતા હોવાના કથિત શબ્દો અંગેનો વીડિયો પણ પોતાની પાસે હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી ગામજનોના જવાબો લેવામાં આવે તેમજ પંચાયતના વહીવટ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, તેવી માંગ અરજદારે કરી છે. સાથે જ સરપંચના હોદ્દાના કથિત દુરુપયોગ અંગે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આ અરજીની નકલ જિલ્લા કલેક્ટર, મહેસાણાને પણ મોકલવામાં આવી હોવાનું અરજદારે જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!