MEHSANAVIJAPUR

વિજાપુરના કોટ ગામના પિતા-પુત્રને ખેરાલુની સ્કૂલમાં ધમકીનો આક્ષેપ તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલના હિસાબ મુદ્દે વિવાદ; ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિજાપુરના કોટ ગામના પિતા-પુત્રને ખેરાલુની સ્કૂલમાં ધમકીનો આક્ષેપ
તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલના હિસાબ મુદ્દે વિવાદ; ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોટ (રામપુર-કોટ) ગામના પિતા-પુત્ર દ્વારા ખેરાલુ સ્થિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલનો હિસાબ માંગવા જતાં તેમની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ સાથે ખેરાલુ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ વિજાપુર તાલુકાના કોટ ગામના વતની અને હાલ ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા ડાહ્યાભાઈ પુંજીરામ હરીદાસ પટેલ તથા તેમના પુત્ર જગદીશ ઉર્ફે જયેશ પટેલ તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભાગીદાર તરીકે સંકળાયેલા છે. તેઓ તા. 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સંસ્થાનો હિસાબ માંગવા તેમજ મિલકતના કથિત ગેરકાયદે ટ્રાન્સફર અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ દરમિયાન સ્કૂલના ભાગીદાર ઉમંગ પ્રવિણભાઈ દેસાઈ, ટ્રસ્ટી પ્રવિણભાઈ દલજીભાઈ દેસાઈ, અશ્વીનભાઈ લાલજીભાઈ દેસાઈ અને મહેન્દ્રભાઈ દલજીભાઈ દેસાઈ સાથે હિસાબ બાબતે ચર્ચા થતાં વાત ઉગ્ર બની હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચારેય વ્યક્તિઓએ પિતા-પુત્ર સાથે ગાળાગાળી કરી હતી. વિરોધ કરતાં અશ્વીનભાઈ અને મહેન્દ્રભાઈએ ભવિષ્યમાં સ્કૂલમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ડાહ્યાભાઈ પટેલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમંગ પ્રવિણભાઈ દેસાઈ, પ્રવિણભાઈ દલજીભાઈ દેસાઈ, અશ્વીનભાઈ લાલજીભાઈ દેસાઈ અને મહેન્દ્રભાઈ દલજીભાઈ દેસાઈ (તમામ રહે. ખેરાલુ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્કૂલના હિસાબ અને સંચાલનને લઈ ઊભેલા આ વિવાદે ખેરાલુ તથા વિજાપુર પંથકમાં ચર્ચા જગાવી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!