
વિજાપુર ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉત્સાહભેર ઉજવણી: ‘હાથ ધોવાના હીરો બનો’ ઉદ્દેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હેલ્થ વિભાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫મી ઓક્ટોબરના રોજ ‘ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે’ની ઉજવણી મહેસાણા જિલ્લાના ગવાડા, સરદારપુર, મણીપુરા અને ટેચાવા ગામે ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ”હાથ ધોવાના હીરો બનો” ઉદ્દેશ થી રાખવામાં આવ્યો હતો.જેનો ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરીને તેમને આ અભિયાનના નાયક બનાવવાનો છે ચેપ, બીમારીઓ અને સામાન્ય જંતુઓના ફેલાવા સામે સ્વચ્છ હાથ એક મૂળભૂત રક્ષણ પૂરું પાડે છે. હોસ્પિટલો, શાળાઓ કે રોજિંદા વ્યવહારોમાં સાબુથી હાથ ધોવાની નિયમિત પ્રેક્ટિસ કરવાથી સારા સ્વાસ્થ્ય પરિણામો મળે છે. જોકે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, છતાં પણ ‘સ્વચ્છ હાથથી બધા લોકોને લાભ મળે’ તેવા લક્ષ્ય તરફ આગળ વધવા માટે ‘હાથ ધોવાના હીરો/નાયક’ની જરૂર છે. આ માટે સમાજના વિવિધ ભાગોમાંથી પ્રતિનિધિઓ અને દરેક વ્યક્તિને આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. હાથ ધોવાના હેતુ થી સમજાવવામાં આવ્યું હતું કે સાબુ અને પાણીથી હાથ ધોવા એ જંતુઓના ફેલાવાને રોકવાનો અને સ્વસ્થ રહેવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. સ્વસ્થ હાથ રાખવાથી ઝાડા અને શ્વસન ચેપ (જેમ કે સામાન્ય શરદી અથવા ફ્લુ) અટકાવવામાં મદદ મળી શકે છે. આંકડાકીય માહિતી મુજબ, યોગ્ય રીતે હાથ ધોવાથી ઝાડાની બીમારીમાં ૨૩ થી ૪૦% નો, પેટની બીમારીમાં ૨૯ થી ૫૭% નો અને સામાન્ય વસ્તીમાં શરદી જેવી શ્વસનની બીમારીઓમાં ૧૬ થી ૨૧% નો ઘટાડો લાવી શકાય છે.આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ગવાડા ગામે કિશોરીઓને હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ વિશે સવિસ્તાર સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્વચ્છતાના સંકલ્પને મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌને હાથ ધોવા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે દરેક વ્યક્તિ ‘હાથ ધોવાના હીરો’ બનીને સ્વચ્છતાની આ આદતને પોતાના જીવનનો ભાગ બનાવે અને સમાજમાં તેના પ્રચાર-પ્રસારમાં યોગદાન આપે તે જરૂરી છે. આ સાથે ગવાડા ગામે પ્રાથમિક શાળા માં સ્વછતા જનજાગૃતિ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓને હાથ ધોવાની યોગ્ય પદ્ધતિનુ માર્ગદર્શન આપી બાળકો સ્વચ્છતા માટે હાથ ધોવા માટે શપથ જીલ્લા આરોગ્ય વિભાગ અને હેલ્થ કચેરી ના અધિકારી દ્વારા લેવડાવવા માં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા હેલ્થ વિભાગના મુકેશ ચૌહાણ, સબ સેન્ટર ના રીટાબેન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધારાબેન મહારાજ, આશા વર્કર બહેનો અને મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા સમાજના દરેક વર્ગના લોકો ‘હાથ ધોવાના હીરો’ બને અને સ્વચ્છતાની આ પ્રથાનો લાભ બધા લોકોને મળે તે દિશામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.



