HALVAD:હળવદમાં સગીર વયનું બાળક દેશી દારૂ વેચતું વિડ્યો સોશિયલ મીડિયા વાયરલ: પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

HALVAD:હળવદમાં સગીર વયનું બાળક દેશી દારૂ વેચતું વિડ્યો સોશિયલ મીડિયા વાયરલ: પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો
રાજ્યમાં તાજેતરમાં બનેલી નકલી દારૂની ઘટના બાદ સરકાર અને ગૃહવિભાગે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, ત્યારે હળવદ શહેરી વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા વિડીયોમાં હળવદના શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ દારૂના અડ્ડા પર એક સગીર વયનું બાળક ગ્રાહકોને દેશી દારૂની પોટલીઓ આપતું નજરે પડે છે. આ ઉપરાંત, દારૂના વેચાણ સ્થળ પર જ ગ્રાહકો નિશ્ચિંત થઈને દેશી દારૂ પી રહ્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
આ વિડીયો વાયરલ થતાં જ હળવદ પોલીસની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલ માટે સક્રિય બની છે, તો બીજી તરફ હળવદ પોલીસની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારી સામે આવી છે.
સ્થાનિક રહીશોમાં હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે:શું હળવદ પોલીસ પોતાના વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે? પોલીસની નાક નીચે સગીર બાળકો પાસે દારૂનું વેચાણ કરાવતી બુટલેગરોની ગેંગ સામે આકરા પગલાં ક્યારે લેવાશે?હવે જોવાનું એ રહે છે કે આ વિડીયો વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને જવાબદારો સામે ક્યારે સકંજો કસવામાં આવે છે.









