MORBI :જેતપર ઉપવાસી આંદોલનમાં મોટું ગાબડું: ૧૭ દિવસથી ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ છાવણી છોડી




MORBI :જેતપર ઉપવાસી આંદોલનમાં મોટું ગાબડું: ૧૭ દિવસથી ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ છાવણી છોડી

જેતપર ખાતે ચાલી રહેલા ઉપવાસી આંદોલનમાં આજે એક નવો અને નાટકીય વળાંક આવ્યો છે. છેલ્લા ૧૭ દિવસથી અડગ રહીને ઉપવાસ પર બેઠેલા આંદોલનકારી નિલેશ એરવાડિયાએ અચાનક જ આંદોલન છાવણી છોડવાની જાહેરાત કરતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને પગલે આંદોલનમાં મોટી તિરાડ પડી હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આંદોલનની અંદર જ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગેવાન હકાભા દ્વારા નિલેશ એરવાડિયા પર કરોડો રૂપિયાનું સેટિંગ (સોદો) કરી લીધું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો બાદ આંદોલનની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થવા લાગ્યા હતા, જેના દબાણમાં આવીને આખરે નિલેશ એરવાડિયાએ છાવણી છોડવાની જાહેરાત કરવી પડી છે.
સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, નિલેશ એરવાડિયા પર લાગેલા આક્ષેપોને કારણે આખા આંદોલનને મોટું નુકસાન થઈ શકે તેમ હતું. આંદોલન નબળું ન પડે અને બદનામી ન થાય તેવા ડરથી તેમને છાવણી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાની પ્રબળ ચર્ચાઓ વહેતી થઈ છે.બીજી તરફ, મીડિયા અને પ્રેસ સમક્ષ આવીને નિલેશ એરવાડિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે આક્ષેપો વચ્ચે જાહેરાત કરી છે કે, “હું આંદોલન છાવણી ભલે છોડી રહ્યો છું, પરંતુ મારા ઉપવાસ ચાલુ રહેશે.”આ ઘટનાક્રમ બાદ જેતપરનું આંદોલન હવે કઈ દિશામાં આગળ વધે છે અને આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે, તે તો આગામી સમય જ બતાવશે.



