MORBI:મોરબી અંધારામાં ગુમ: ૧૫% ટેક્સ ભરવા છતાં સ્ટ્રીટ લાઈટો બંધ, પ્રજામાં ભારે રોષ

MORBI:મોરબી અંધારામાં ગુમ: ૧૫% ટેક્સ ભરવા છતાં સ્ટ્રીટ લાઈટો બંધ, પ્રજામાં ભારે રોષ
મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી: અનેક વિસ્તારોમાં દોઢ-બે મહિનાથી અંધારપટ, અકસ્માત અને ચોરી-લૂંટફાટનો ભય
મોરબી શહેરમાં છેલ્લા દોઢથી બે મહિનાથી વિવિધ મુખ્ય માર્ગો, બ્રિજ અને રહેણાંક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી સમગ્ર શહેરમાં અંધારપટ છવાયેલો છે. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવા છતાં અને પ્રજા પાસેથી મહાનગરપાલિકા દ્વારા પંદર ટકા જેટલો ટેક્સ ઉઘરાવવામાં આવતો હોવા છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા અને મુશાભાઈ બ્લોચ સહિતના અગ્રણીઓએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો છે. તેઓના જણાવ્યા મુજબ, શહેરના મુખ્ય માર્ગો પર ૧૦૦ થી ૧૫૦ જેટલા લાઈટના ગોળા બંધ છે, જેના કારણે રાત્રિના સમયે ચોરી, લૂંટફાટ અને જીવલેણ અકસ્માતોનો ભય સતત તોળાઈ રહ્યો છે.
અંધારપટ હેઠળના મુખ્ય વિસ્તારો:
પુલ અને મુખ્ય માર્ગો: પાડાપુલ (૩૦ થી ૩૬ લાઈટો બંધ), નદીનો બેઠો પુલ (તમામ લાઈટો બંધ) અને મણિમંદિર મેઈન રોડ.
રેલ્વે અને ફાટક વિસ્તાર: વીસી ફાટકથી નવલખી ફાટક સુધીનો માર્ગ, લખધીર બાપુના બાવળા પાસેનો વિસ્તાર તેમજ નજરબાગથી રેલ્વે સ્ટેશન સુધીનો રોડ.
રહેણાંક અને વેપારી વિસ્તારો: ટાઉનશીપ રોડ, સામાકાંઠે સ્મશાન રોડ, જુની પોસ્ટ ઓફિસ (મોરબી-૨), વીસીપરા, શનાળા રોડ, વાવડી રોડ, લીલાપર રોડ અને લાતી પ્લોટ વિસ્તાર.
પ્રજા અને સામાજિક કાર્યકરોની ઉગ્ર માંગ:
સામાજિક કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બેઠા પુલ કે અન્ય વિસ્તારોમાં અંધારાના કારણે કોઈ ગંભીર અકસ્માત થશે, તો તેની પૂરેપૂરી જવાબદારી તંત્રની રહેશે. અગાઉના કમિશનર અને ગીરીશ સરવૈયા સાહેબના સમયમાં જે કામગીરી થઈ હતી તે પછી હાલ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને આ મુદ્દે જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. પ્રજાજનોની એક જ માંગ છે કે તમામ બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને શહેરની રોનક પરત લાવવામાં આવે.









