MORBI:મોરબી વિશ્વકર્મા જયંતીને રાષ્ટ્રીય શ્રમિક દિવસ જાહેર કરવા ભારતીય મજદૂર સંઘની રજૂઆત




MORBI:મોરબી વિશ્વકર્મા જયંતીને રાષ્ટ્રીય શ્રમિક દિવસ જાહેર કરવા ભારતીય મજદૂર સંઘની રજૂઆત

મોરબી: ભારતીય મજદૂર સંઘ (મોરબી) અને શ્રી ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને મોરબી મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૭ સપ્ટેમ્બરે ઉજવાતી ભગવાન વિશ્વકર્મા જયંતીને સત્તાવાર રીતે ‘રાષ્ટ્રીય શ્રમિક દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે ભગવાન વિશ્વકર્મા શ્રમિક જગતના આરાધ્યદેવ તરીકે પૂજાય છે. કડિયાકામ, લુહારીકામ, સુથારીકામ, હસ્તકલા સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કારીગરો અને શ્રમિકો દ્વારા દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય મજદૂર સંઘ દ્વારા આ દિવસે પૂજન-અર્ચન, શોભાયાત્રા, શ્રમિક વસાહતોમાં સેવાકાર્યો તેમજ કાર્યકર્તાઓ સાથે વિચાર-ગોષ્ઠિ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.શ્રમિકો અને કારીગરોના રાષ્ટ્રનિર્માણમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તે હેતુથી વિશ્વકર્મા જયંતીને ‘રાષ્ટ્રીય શ્રમિક દિવસ’ તરીકે જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.આ આવેદનપત્ર વી.સી. ફાટક નજીક આવેલા બંદર કચેરી ગોડાઉન વિસ્તાર સ્થિત સંઘ કાર્યાલય દ્વારા મોરબી મામલતદારશ્રીને સુપરત કરવામાં આવ્યું હતું.


