WANKANER:વાંકાનેરના લુણસર ગામે ખાણ-ખનીજ વિભાગની ટીમ ત્રાટકી
WANKANER:વાંકાનેરના લુણસર ગામે ખાણ-ખનીજ વિભાગની ટીમ ત્રાટકી
મોરબી જીલ્લામાં ખાણ-ખનીજનું ગેરકાયદેસર ખનન અટકાવવા જીલ્લા ખાણ-ખનીજ વિભાગની ટીમ સતત પ્રયત્નશીલ રહી આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખતી હોય છે તે દરમિયાન વાંકાનેરના લુણસર ગામે સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદે ખોદકામ ચાલુ હોવાની મળેલ બાતમીને આધારે ક્ષેત્રીય ટીમ દ્વારા તપાસ હાથ ધરતા સેન્ડસ્ટોન ખનીજની ગેરકાયદેસર ખોદકામ કરતા એક્સકેવેટર મશીન સિઝ કરી બે મશીન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લાના ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા ખનીજ ચોરી અટકાવવા બાબતે કડક તપાસ હાથ ધરી કામગીરી કરવાની સુચનાને આધારે અત્રેની કચેરીની ક્ષેત્રીય ટીમને વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારમાં ગેરકાયદે ખનન ચાલતુ હોવાની માહિતી મળી હતી. આ અનુસંધાને, મોરબીની ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થળ ઉપરની તપાસ દરમ્યાન ત્યાં SANY કંપનીનું એક્સકેવેટર મશીન નં. 20SE21A0100661 દ્વારા સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા પકડાયુ હતું.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ખોદકામમાં એક્સકેવેટરના બે સંચાલકો, રમેશભાઈ જાલાભાઈ ગમારા અને ગોપાલભાઈ ગેલાભાઈ ધ્રાંગીયા, સંકળાયેલા હતા. તેઓ લુણસર ગામના વતની છે અને ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરાવતા હતા. જેથી ખાણ-ખનીજ ટીમે તાત્કાલિક એક્સકેવેટર મશીનને કબજે કરી અને તેને સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકાવી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.