AHAVADANGGUJARAT

સેવા,સંવેદના અને સમર્પણ: પીપળદહાડમાં”ડાંગ મિત્ર” દ્વારા આયોજિત નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું 120થી વધુ લોકો ભાગ લીધો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના અંતરિયાળ પીપળદહાડ ગામમાં ગ્રામજનોને તેમના ગામે જ નિષ્ણાત આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે હેતુથી નિઃશુલ્ક ચામડીરોગ તપાસ, નિદાન અને માર્ગદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઓમરૂદ્ર હનુમાન ટ્રસ્ટ સંચાલિત “ડાંગ મિત્ર” સંસ્થાના ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં પીપળદહાડ ઉપરાંત આસપાસના અનેક અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પ દરમિયાન 120થી વધુ દર્દીઓની ચામડી સંબંધિત વિવિધ સમસ્યાઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત તબીબોએ દર્દીઓને યોગ્ય નિદાન, સારવાર અંગે માર્ગદર્શન તેમજ ચામડીના રોગોથી બચવા માટે જરૂરી તકેદારી અને સ્વચ્છતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિક સારવાર અને જરૂરી સલાહ પણ આપવામાં આવી હતી.

ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આવી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ ખૂબ આવકાર્યો હતો. ગામલોકોએ જણાવ્યું હતું કે, આવી સેવાઓના કારણે તેમને દૂર શહેરોમાં સારવાર માટે જવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે અને સમયસર નિદાન મળવાથી આરોગ્ય અંગે જાગૃતિ પણ વધી છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે “ડાંગ મિત્ર” સંસ્થાના કાર્યકરો, ટ્રસ્ટના સેવાભાવી સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આયોજનની સુચારુ વ્યવસ્થા અને સેવાભાવી ભાવનાને ગ્રામજનોએ ખુલ્લા હૃદયે બિરદાવી હતી.

સામાજિક સેવા અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ સાથે સતત કાર્યરત ઓમરૂદ્ર હનુમાન ટ્રસ્ટ સંચાલિત “ડાંગ મિત્ર” સંસ્થા દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરતી આવી છે અને ભવિષ્યમાં પણ ડાંગ જિલ્લાના વિવિધ અંતરિયાળ ગામોમાં આવા આરોગ્યલક્ષી કેમ્પો યોજી વધુને વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!