વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અબડાસા કચ્છ.
અબડાસા,તા-21 એપ્રિલ : અબડાસા તાલુકામાં આવેલી પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સ બેઝિક ટ્રેનિંગ અર્થાત નાગરિક સંરક્ષણની મૂળભુત તાલીમ આપવામાં આવી હતી. પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા આવાસીય શાળા હોવાના કારણે વિદ્યાર્થીઓ પોતાનું બધું જ કાર્ય જાતે કરતા હોય છે આથી તેમને સ્વરક્ષણની તાલીમ આપવી યોગ્ય અને અનિવાર્ય બને છે. આથી કચ્છ સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તેમજ નાયબ કંટ્રોલર અને અધિક કલેક્ટરશ્રી ડી.કે.પંડ્યાના માર્ગદર્શન અંતર્ગત પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે ૩૦૮ વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. ડિફેન્સ ટ્રેનિંગ ટીમના સભ્યોશ્રી રોહિતભાઈ ઠક્કર અને શ્રી કે.સી ધાંધલીયા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રાકૃતિક અને માનવસર્જિત આપદાઓ સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આગથી રક્ષણ કઈ રીતે કરવું અને આગના પ્રકારો અને આગને ઓલવવાની અલગ અલગ પદ્ધતિઓની તાલીમ વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી નારાયણસિંહજી અને શાળાના અન્ય સદસ્યોએ પણ સક્રિયતાથી ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ પણ આ તાલીમ ખૂબ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક જોડાયા હતા. આ તાલીમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજના નાયબ કંટ્રોલર અને અધિક કલેક્ટરશ્રી ડી.કે.પંડ્યા, તાલીમ ઈન્સ્ટ્રક્ટર્સ અને શાળાના શિક્ષકોની મહેનતથી સફળ રીતે આયોજિત થઈ હતી તેમ ડુમરાની પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી નારાયણસિંહજીએ જણાવ્યું છે.